(એજન્સી)
મુઝફ્ફરનગર, તા. ૧૯
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના ભયાનક રમખાણોના કેસોમાં અદાલતે વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯ વચ્ચે હત્યાઓના ૧૦ કેસોમાં તમામ આરોપીઓને મુક્ત કરી દીધા છે. એક અહેવાલમાં સામે આવ્યું છે કે, પોલીસે મહત્વના સાક્ષીઓના નિવેદનો જ લીધા નથી. આ ઉપરાંત પોલીસ તરફથી હત્યામાં વપરાયેલા હથિયારો રજૂ કરાયા નથી. ઘણા સાક્ષીઓ અદાલતમાં પોતાના નિવેદનથી ફરી ગયા છે. મુઝફ્ફરનગરમાં ૨૦૧૩માં થયેલા કોમી રમખાણોમાં લઘુમતીઓના ૬૫ લોકોની નિર્દયી રીતે હત્યા કરી દેવામાં આવી હતી. પહેલા ૨૦૧૭થી મુઝફ્ફરનગરની અદાલતે ૪૧ કેસોમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. આમાંથી હત્યાના ફક્ત એક કેસમાં જ નિર્ણય આવ્યો છે. મુસ્લિમો પર હુમલામાં બાકી તમામ કેસોમાં આરોપીઓ છૂટી ગયા છે.
તોફાનોના તમામ કેસો અખિલેશ યાદવની સરકારમાં દાખલ થયા હતા. આ કેસોની સુનાવણી અખિલેશ સરકાર ઉપરાંત ભાજપની સરકારમાં પણ થઇ છે. આ વર્ષે સાતમી ફેબ્રુઆરીએ અદાલતે સાત આરોપીઓ મુઝમ્મિલ, મુજસ્સિમ, ફુરકાન, નદીમ, જહાંગીર, અફઝલ અને ઇકબાલને આજીવન કેદની સજા ફટકારી છે. આ લોકો પર ૨૭ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ કાવલ ગામમાં ગૌરવ અને સચિનની હત્યાનો આરોપ હતો. એવું માનવામાં આવે છે કે, આ હત્યા બાદ મુઝફ્ફરનગરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. રિપોર્ટમાં ૧૦ કેસો સાથે જોડાયેલા ફરિયાદીઓ અને સાક્ષીઓ સાથે વાતચીત સાથે કોર્ટ રેકોર્ડ અને પેપર્સની પણ તપાસ કરવામાં આવી હતી. વાતચીતમાં સામે આવ્યું હતું કે, એક પરિવારને જીવિત બાળી નાખવામાં આવ્યો હતો. જ્યારે એકના પિતાની તલવારથી હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસના ૫૩ આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એટલું જ નહીં અહીં ગેંગરેપના ૪ કેસો અને કોમીતોફાનોના અન્ય ૨૬ કેસો પણ સામે આવ્યા હતા. બીજી તરફ યુપી સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે તે આ કેસોમાં અપીલમાં નહીં જાય. સરાકરી વકીલ દુષ્યંત ત્યાગીએ જણાવ્યું હતું કે, અમે વર્ષ ૨૦૧૩માં થયેલી મુઝફ્ફનગર કોમી તોફોનોના કેસમાં કોઇ અપીલમાં જવા માગતા નથી. આ કેસોમાં તમામ મુખ્ય સાક્ષીઓ પોતાના નિવેદનથી ફરી ગયા હતા. આ કેસોમાં આરોપીઓ વિરૂદ્ધ આરોપનામા સીક્ષીઓના નિવેદનને આધારે જ દાખલ કરવામાં આવ્યા હતા.

હત્યાના ૧૦ કેસોમાં સામે આવેલી મહત્વની બાબતો

– ફરિયાદમાં ૬૯ લોકોના નામ હતા અને ફક્ત ૨૪ સામે જ કેસ ચાલ્યો, અન્ય ૪૫ લોકો સામે કેસ ચાલ્યો પણ તેમના નામ વાસ્તવિક ફરિયાદમાં સામેલ ન હતા.
– તમામ ફરિયાદમાં હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારોનો ઉલ્લેખ હતો પણ પોલીસ ફક્ત પાંચ કેસોમાં જ પુરાવા મેળવી શકી.
– અસીમુદ્દીન અને હલીમાની હત્યા કેસમાં પોલીસે પુરાવા મેળવતા સમયે બે સ્વતંત્ર સાક્ષીના નામ નોંધ્યા હતા. બંને સાક્ષીઓએ કહ્યું કે, તેમની હાજરીમાં કોઇ પુરાવા એકઠા કરાયા ન હતા. તેમણે કહ્યું કે, પોલીસે તેમને ફક્ત કાગળ પર સહી કરવા કહ્યું હતું.
– તિતાવીમાં ત્રણ લોકોની હત્યાના કેસમાં પોલીસે પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરનું ક્રોસ એક્ઝામિન કર્યું ન હતું.
– અસીમુદ્દીન અને હલીમા હત્યા કેસમાં પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કર્યો ન હતો.
– હત્યાના વધુ એક કેસમાં ઝરીફે કહ્યું હતું કે ગંભીર રીતે તેના ઘાયલ પિતા મરતા પહેલા પોતાનું નિવેદન નોંધાવવા માગતા હતા પણ પોલીસે તેમનું નિવેદન નોંધ્યું ન હતું. પોલીસે તેમને હોસ્પિટલ લઇ જવાના સ્થાને કલાકો સુધી રાહ જોવડાઇ હતી. ઝરીફે કહ્યું કે, આરોપીઓને બચાવવા માટે મહત્વના પુરાવા એકઠા કરાયા ન હતા.