(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
બિહારના મુઝફ્ફરપુરમાં બાલિકા આશ્રયગૃહમાં બનેલ સામૂહિક બળાત્કાર કાંડની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બિહાર સરકારના જવાબ સામે આશ્ચર્ય દર્શાવ્યું હતું. સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, અમને ખબર નથી કે પૂર્વ મંત્રી મંજુ વર્મા ક્યાં સંતાઈ છે, અમને એ નથી મળતી. જો કે આ પ્રકારના જવાબ સામે કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું ખૂબ જ નવાઈની વાત છે. સરકારને ખબર જ નથી કે એમની પૂર્વ મંત્રી ક્યાં છે ? સુપ્રીમ કોર્ટે આ કેસ માટે સીબીઆઈને કહ્યું કે, એ સમયસર ચાર્જશીટ દાખલ કરે. જેથી આરોપીઓ જામીન મેળવવાના હક્કદાર નહીં બની શકે. આ કૌભાંડમાં ૩૪ બાળકીઓ સાથે બળાત્કારો થયા હોવાની પુષ્ટિ થઈ હતી. એના પછી મંજુ વર્માના પતિ ઉપર પણ બ્રજેશ ઠાકુર સાથે સંબંધો હોવાના લીધે આક્ષેપો મૂકાયા હતા. જેના લીધે મંજુ વર્માને બિહાર સરકારે બરતરફ કર્યા હતા. આ પહેલાં મંજુ વર્માની ધરપકડ નહીં થઈ હોવાના લીધે સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને કહ્યું હતું કે, મંજુ વર્મા બિહાર સરકારની જ પૂર્વ મંત્રી છે. ભાગેડું નથી. બિહાર સરકારે આવતીકાલ સુધી જણાવે કે મંજુ વર્માના મામલે શું થયું ? બીજી બાજુ કોર્ટે આ મામલાના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરને પંજાબની પટિયાલા જેલમાં મોકલવા આદેશ આપ્યો હતો.