(એજન્સી) તા.ર૪
મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમોની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જઇ રહી છે. લાખોની સંખ્યાંમાં રોહિંગ્યા મુસ્લિમો શરણાર્થી બની ચૂક્યા છે ત્યારે હજુ પણ લાખો રોહિંગ્યા મ્યાનમારમાં જ છે જે સેનાથી બચવાની દુવા માગી રહ્યાં છે. જોકે હાલમાં જ રખાઇન વિસ્તારમાં ફરી હિંસક ઘટનાઓ બનવાની માહિતી મળતાં રોહિંગ્યા મુસ્લિમો માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. મ્યાનમાર સરકારે આપેલી માહિતી અનુસાર રખાઇન પ્રાંતમાં એક મસ્જિદ નજીક જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો છે અને આ કારણે જ લગભગ ર૦ જેટલા મકાનોમાં આગ લાગી ગઇ છે. આ વિસ્તારમાં હિંસાની આ નવી જ ઘટના છે. ઉલ્લેખનીય છે કે ગત એક મહિનામાં લાખોની સંખ્યામાં રોહિંગ્યા મુસ્લિમો પલાયન કરી ચુક્યા છે. જેમાંથી મોટાભાગના બાંગ્લાદેશ પહોંચી ગયા છે તો હજુ પણ મોટી સંખ્યામાં મ્યાનમાર અને બાંગ્લાદેશની સરહદે ફસાયેલા છે. સરકારની સૂચના સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું કે આગચંપીની તાજેતરની ઘટના મુગડાવના કેયેન ચાઉંગ ગામમાં ગત રાત્રિએ બની હતી. જોકે વિસ્ફોટ અને આગચંપીની ઘટનામાં કોઇના મોત કે ઘાયલ થવાના સમાચાર અંગે હજુ કોઈ પુષ્ટિ થઇ શકી નથી. અમુક દિવસ અગાઉ જ મ્યાનમારના નેતા આંગ સાન સૂ કીએ જાહેરાત કરી હતી કે સેનાએ બોર્ડર નજીકના વિસ્તારમાં તેનું અભિયાન અટકાવી દીધું છે. સેનાએ દાવો કર્યો હતો કે તે રોહિંગ્યા કટ્ટરપંથીઓને ભગાડવાનો પ્રયાસ કરી રહી છે. આ લોકોએ રપ ઓગસ્ટના રોજ પોલીસ ચોકીઓ પર હુમલો કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે તાજેતરની હિંસાઓને પગલે આંતરરાષ્ટ્રીય સમુદાયો પણ મ્યાનમારની સરકાર પર ભારે દબાણ કરી ચૂક્યા છે.