(એજન્સી) લંડન, તા.રપ
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, ઉપગ્રહો દ્વારા લેવામાં આવેલી તાજી તસવીરો અને વીડિયોથી જાણવા મળી રહ્યું છે કે, મ્યાનમારના રાખિન પ્રાંતમાં રોહિંગ્યા મુસલમાનોની વસ્તીવાળા ગામોમાં હજી પણ ધૂમાડાઓ ઉડતા જોવા મળી રહ્યા છે. આ દેશની સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીના આ દાવાથી તદ્દન વિપરીત છે કે, પ્રાંતમાં સૈન્ય અભિયાન પૂર્ણ થઈ ચૂક્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે (રર સપ્ટેમ્બર) મોડી સાંજે લંડનમાં રહેલા એક સમૂહે કહ્યું કે, રાખિનેમાં હાજર તેમના સૂત્રોનો દાવો છે કે, શુક્રવારે ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં ગામોના ઘરોમાં આગ લાગેલી જોવા મળી રહી છે, જે મ્યાનમારના સુરક્ષા દળો અને હિંસક ટોળા દ્વારા લગાવવામાં આવી છે. મ્યાનમારની તાજેતરની હિંસાએ ૪,ર૯,૦૦૦ રોહિંગ્યા મુસલમાનોને બાંગ્લાદેશમાં હિજરત કરવા માટે મજબૂર કર્યા છે. એમ્નેસ્ટીના નિર્દેશક તિરાના હસને કહ્યું, જમીન તેમજ અવકાશમાંથી લેવામાં આવેલા આ ઘાતક પુરાવાઓ દુનિયા સમક્ષ આંગ સાન સૂ કીના દાવાની હકીકતને દર્શાવી રહ્યા છે. રોહિંગ્યા મુસલમાનોના ઘરો અને ગામોને સળગાવવાની કામગીરી ચાલુ છે. આ આગ તે સમયે પણ ચાલુ જ હતી, જ્યારે આ ઘરોમાં લોકો રહેતા હતા અને અત્યારે પણ ચાલે છે જ્યારે તેમાં રહેતા લોકો હિજરત કરી ચૂક્યા છે. પરંતુ તે રોહિંગ્યાઓની હિજરતથી સંતુષ્ટ નથી. એવું જણાઈ રહ્યું છે કે, અધિકારીએ સુનિશ્ચિત કરી લેવા માંગે છે કે, તેઓના પરત ફરવા માટે કોઈ ઘર જ ના હોય.
હિજરત કરનારા મોટાભાગના રોહિંગ્યા મુસલમાનોએ બાંગ્લાદેશના જિલ્લા કોકસ બજારમાં શરણાર્થી શિબિરોમાં આશ્રય લીધું છે. આ લોકોનો આરોપ છે કે, જ્યારે તેઓ હિજરત કરી રહ્યા હતા, તે દરમિયાન બુદ્ધો અને સુરક્ષા કર્મીઓ દ્વારા તેમના પર ભયાનક હુમલાઓ કરવામાં આવ્યા.
મીડિયાના અહેવાલ અનુસાર તાજેતરની હિંસા રપ ઓગસ્ટના રોજ રોહિંગ્યા બળવાખોરોના સમૂહો દ્વારા પોલીસ ચોકીઓ પર હુમલો કર્યા બાદ ભડકી, જેમાં ૧ર સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. મ્યાનમાર સરકારે આરોપ મૂક્યો છે કે, રોહિંગ્યાઓ પોતાના ઘરોને પોતે સળગાવી રહ્યા છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર તેમજ અન્ય સમૂહોએ મ્યાનમાર સરકાર પર જનજાતીય સમૂહોને સમાપ્ત કરવાની કોશિશ કરવાનો આરોપ મૂક્યો છે.