(એજન્સી) બર્મા, તા.૫
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર પાછલા દસ દિવસમાં આશરે ૮૭૦૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમોએ મ્યાનમારમાંથી પલાયન કરી બાંગ્લાદેશમાં શરણુ લીધંુ છે. ગત વર્ષે ઓક્ટોમ્બરથી માંડી અત્યારસુધીમાં આશરે ૧,૫૦,૦૦૦ રોહિંગ્યા મુસલમાનો મ્યાનમાર છોડી ચૂક્યા છે. બૌદ્ધ ધર્મને અનુસરનાર દેશ મ્યાનમારમાંથી આટલા મોટા પાયે રોહિંગ્યા મુસલમાનોના પલાયન પાછળનું કારણ ત્યાં સેના સાથે ચાલી રહેલો હિંસક સંઘર્ષ છે.
દસથી અગિયાર લાખની આબાદી ધરાવતાં રોહિંગ્યા સમુદાયનો બૌૈદ્ધો સાથેના સંઘર્ષનો ઈતિહાસ ઘણો જૂનો છે. આ વર્ષે ૨૫ ઓગસ્ટે વિદ્રોહી રોહિંગ્યા મુસ્લિમોના સંગઠન ‘અરાકાન રોહિંગ્યા સાલ્વેશન આર્મી એ મ્યાનમારના પશ્ચિમી ક્ષેત્રમાં એક સુયોજિત હુમલો કરી ૮૯ લોકોની હત્યા કરી હતી. અને અર્ધસૈન્યદળની ચોકીઓને પણ ફુંકી મારી હતી. આ હુમલામાં ૧૨ સુરક્ષાદળોના મોત નીપજ્યા હતા. મ્યાનમારની સેનાના આ હુમલાના જવાબમાં ‘ક્લિયરન્સ ઓપરેશન’ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦ લોકોના મોત નીપજ્યાં હતા. મ્યાનમાર સરકારે સેનાના હુમલામાં માર્યા જનાર લોકોને વિદ્રોહીઓ ગણાવ્યા હતા. મ્યાનમારની નેતા આંગ સૂ કી એ રાખીને સ્ટેટમાં શાંતિની અપીલ માટે વિદ્રોહી વિરૂદ્ધના સેનાના ઓપરેશનના વખાણ કરતાં જવાનોની પીઠ થપથપાવી હતી. જે સૈન્ય સંગઠને આ હુમલાની જવાબદારી લીધી તેણે આ હુમલાને મ્યાનમારમાં લઘુમતી રોહિંગ્યા મુસ્લિમ સમુદાય વિરૂદ્ધ સેના અને સરકારના અત્યાચાર વિરૂદ્ધનો બદલો ગણાવ્યો હતો.