(એજન્સી) તા.૪
ઉત્તરપશ્ચિમી મ્યાનમારમાં આવેલા રાખીન વિસ્તારમાં તાજેતરમાં ફાટી નીકળેલી હિંસામાં છ નાગરિકોનાં મોત થયાના સમાચાર મળ્યાં છે. તમને જણાવી દઇએ કે રાખીન વિસ્તારમાં મોટાભાગે મુસ્લિમો બહુમતી ધરાવે છે. કાઇંગ ગી ગામના સ્થાનિકોએ અને સરકારે ગુરુવારે જણાવ્યું કે ગામડામાં લગભગ ૧૦ વાગ્યાના સુમારે ગોળીબારની ઘટના બનતા ત્રણ યુવકો અને ત્રણ મહિલાઓનો ભોગ લેવાઇ ગયો હતો. પોલીસે આ હિંસાનો આરોપ આતંકીઓના માથે મઢી દીધો છે. પોલીસે જણાવ્યું કે પોતાને અરાકન રોહિંગ્યા સેલ્વેશન આર્મી તરીકે ઓળખાવતા સંગઠનના સભ્યો જે રોહિંગ્યા મુસ્લિમ સમુદાયના રક્ષક હોવાનો દાવો કરે છે તેમની અને સરકાર વચ્ચેની અથડામણમાં આ ઘટના બની હતી. સ્ટેટ કાઉન્સિલર કાર્યાલયે આપેલી માહિતી પ્રમાણે સુરક્ષા દળોએ જ્યારે સમગ્ર વિસ્તારમાંથી આતંકીઓને પકડી પાડવા માગે શોધખોળ અભિયાન હાથ ધર્યું તો તેમને છ જેટલા મૃતદેહો મળી આવ્યા હતા જ્યારે અન્ય બે લોકો હજુ ગુમ હોવાની માહિતી આપવામાં આવી રહી છે. ગામડાના વડાએ આ તમામ મોત અંગે કહ્યું કે માયો એથનિક ગ્રુપના સભ્યો આ વિસ્તારમાં રહે છે અને હાલની ઘટનામાં કોઇ મુસ્લિમને નિશાન બનાવાયો નથી. સેન હલા મોંગે જણાવ્યું કે હજુ એક યુવક અને યુવતી ગુમ હોવાના સમાચાર છે. તેમણે જણાવ્યું કે આ હુમલામાં હુમલાખોરોએ ગ્રામીણોને નિશાન બનાવવા માટે બંદૂક અને ચાકૂનો ઉપયોગ કર્યો હતો. તમને જણાવી દઇએ કે ગત વર્ષે ઓક્ટોબર મહિનાથી રાખીન વિસ્તારમાં રોહિંગ્યા મુસ્લિમો સામે અત્યાચાર કરવામાં આવી રહ્યાં છે. આ કારણસર જ ઘણા ખરા ૭૦૦૦૦ જેટલા મુસ્લિમો બાંગ્લાદેશમાં જઈને આશ્રય લેવા મજબૂર થયા છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા પ્રમાણે પણ સેંકડો લોકોના અથડામણો દરમિયાન મોત થયા છે.