(એજન્સી)
ઢાકા, તા.૧૯
રોહિંગ્યા મુસ્લિમો પર હિંસક અત્યાચાર ગુજારનાર મ્યાનમાર વિરૂદ્ધ બાંગ્લાદેશે વિશાળ રેલીઓનું આયોજન કર્યું છે. મ્યાનમારે રોહિંગ્યાઓને પાડોશી દેશ બાંગ્લાદેશમાં શરણ લેવા માટે મજબૂર કર્યા હતા.
ઈસ્લામિક ગ્રુપના સમર્થકોએ રોહિંગ્યાઓના સમર્થનમાં બાંગ્લાદેશમાં દેખાવો કર્યા હતા. ઢાકાના નાયબ કમિશનર અનવર હુસેને જણાવ્યું કે આ વિરોધ પ્રદર્શનમાં આશરે ર૦ હજાર લોકો જોડાયા હતા. પ્રદર્શનકારીઓ રાજધાની ઢાકાની સૌથી મોટી મસ્જિદ ખાતે એકઠા થયા હતા.
ઢાકાની ઈસ્લામિક શાળાના શિક્ષક એવા ર૭ વર્ષીય મૌલાના સૈફુદ્દીને જણાવ્યું કે અમે મ્યાનમારની સરકારને સંદેશ આપવા માટે મ્યાનમારના દૂતાવાસ બહાર એકઠા થઈશું કે અરાકાનમાં થઈ રહેલા અમારા મુસ્લિમ ભાઈઓના નરસંહારને અમે સાંખી નહીં લઈએ. તેમણે જણાવ્યું કે તેઓ આંગ સાન સુ કીની સરકાર દ્વારા રોહિંગ્યાઓના નિર્દયી નરસંહારનો વિરોધ કરી રહ્યા હતા. અન્ય એક પ્રોફેસર અબુ રોહાને જણાવ્યું કે વિરોધ કરવો એ તેમની ધાર્મિક ફરજ છે. ગત શુક્રવારે બાંગ્લાદેશના ૧પ હજાર પ્રદર્શનકારીઓએ રોહિંગ્યાઓના નરસંહાર અંગે બૌદ્ધ બહુમતિ ધરાવતા મ્યાનમાર વિરૂદ્ધ યુદ્ધ કરવા તેમની સરકારને વિનંતી કરી હતી.
રોહિંગ્યાઓની હત્યાઓ વિરૂદ્ધ ઈરાન, પાકિસ્તાન, મલેશિયા અને ઈન્ડોનેશિયામાં પણ દેખાવો થયા હતા.
સોશિયલ મીડિયા પરની તસવીરો મુસ્લિમ લઘુમતી પર થતા અત્યાચારો દર્શાવે છે. રપ ઓગસ્ટના રોજ બૌદ્ધોનું પ્રભુત્વ ધરાવતા મ્યાનમારના રાખીનમાં મ્યાનમારની સેનાએ રોહિંગ્યાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરતા બાંગ્લાદેશમાં આશરે ૪ લાખ ૧૦ હજાર રોહિંગ્યાઓ ઘૂસી આવ્યા હતા ત્યારબાદ આ પગલું લેવામાં આવ્યું હતું. મ્યાનમારની સેના અને બૌદ્ધ ટોળાઓએ મ્યાનમારની હિજરત કરી ગયેલા રોહિંગ્યાઓ પર બળાત્કાર, હત્યા અને આગ ચાંપવા જેવા અત્યાચારો ગુર્જાયા છે.
સાથે જ ભારતીય સરકારે પણ રોહિંગ્યા મુસ્લિમોને દેશની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવીને આશરે ૪૦ હજાર રોહિંગ્યાઓનો દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો હતો.
એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય સરકાર પાસે એવી માહિતી છે કે રોહિંગ્યા શરણાર્થીઓ અને દાઈશ તકફીરી આતંકીઓ અથવા અન્ય આતંકી સમૂહ વચ્ચે સંબંધ છે. જો કે રોહિંગ્યા સમુદાયના આગેવાનોએ આ બાબતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી.
મ્યાનમારના વિરોધમાં બાંગ્લાદેશમાં યોજાયેલી રેલીમાં ર૦ હજાર લોકો જોડાયા

Recent Comments