Ahmedabad

મ્યુનિ. તંત્ર પ્રજાને ઉકાળા પીવડાવવાને બદલે ઉકરડા દૂર કરવામાં ધ્યાન આપે

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩૧
શહેરના મકતમપુરા વોર્ડમાં ઠેર-ઠેર કચરાના ઢગ સાફસફાઈનો અભાવ અને ઉભરાતી ગટરોના લીધે ઠેર-ઠેર ગંદકી અને નર્કાગાર જેવી પરિસ્થિતિ જોવા મળે છે ત્યારે પ્રજાને ઉકાળા પીવડાવવાના બદલે રોગચાળાને આમંત્રણ આપતા ઉકરડા દૂર કરવામાં આવે તેવી પ્રજાની લાગણી અને માગણી છે.
મકતમપુરા વોર્ડમાં ગંદકીએ હદે વકરી છે કે અમુક વિસ્તારોમાં તો ચાલીને જવું મુશ્કેલ બન્યું છે. ઠેર-ઠેર કચરાના ઢગ, ગંદકી એમાં વરસાદને લીધે કાદવ કીચડનો વધારો થતાં ચોતરફ નર્કાગાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આવી પરિસ્થિતિમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝેરી મેલેરિયા જેવા રોગોએ માથું ઉચક્યું છે. આવી પરિસ્થિતિમાં મ્યુનિસિપલ તંત્ર સાફસફાઈ કરવાને બદલે પ્રજાને ઉકાળા પીવડાવવામાં વ્યસ્ત છે ત્યારે રોગચાળો ન ફાટે તો શું થાય ? બે દિવસ બાદ મુસ્લિમોનો ઈદ-ઉલ-અઝહાનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે મકતમપુરા વોર્ડમાં સાફસફાઈ ઝુંબેશ યુદ્ધના ધોરણે હાથ ધરવા તંત્રએ ગાડી, જેસીબી મશીન, ટ્રેક્ટર ફાળવી અભિયાન ચલાવવું જોઈએ ઉપરાંત સ્થાનિક કાઉન્સિલર દ્વારા ફતેહવાડી, ગ્યાસપુર અને ગુલશને દાઈ હલીમા ખાતે ત્રણ મેડિકલ કેમ્પ યોજવા પણ માગણી કરવામાં આવી છે. હાજીભાઈએ વધુમાં જણાવ્યું છે કે મકતમપુરા વોર્ડ વિશાળ ક્ષેત્રફળ અને ગીચ વસ્તી ધરાવતો વોર્ડ હોવાથી સમસ્યાઓ પણ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે તેમ છતાં અપૂરતા સાધનોને લીધે સ્થાનિક હેલ્પ સેન્ટરનો સ્ટાફ પણ લાચાર છે. આથી તાજેતરમાં પબ્લિક હેલ્થ સુપરવાઈઝર સોલંકીએ નોકરીને ૬ માસ બાકી હોવા છતાં કંટાળી જઈ રાજીનામું આપવાની ફરજ પડી હતી.