(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પાર્ટીના લઘુમતી વિભાગના ચેરમેન તરીકે નદીમ જાવેદની નિમણૂંક કરી છે. જાવેદને ખુરશીદ અહેમદ સૈયદના સ્થાને નિમણૂંક અપાઇ છે જેમની સેવાઓને પાર્ટીના નિવેદનમાં બિરદાવવામાં આવી હતી. કોંગ્રેસના અધ્યક્ષે આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પાર્ટી બાબતોના પ્રભારી સુશીલકુમાર શિંદેના સ્થાને રાજ્યસભાના સાંસદ રજની પાટિલની નિમણૂંક કરી છે. ગુજરાતમાં પાર્ટી બાબતો માટે એઆઇસીસીના સચિવ તરીકે તેમણે જીતેન્દ્ર બેહગલ અને બિશ્વરંજન મોહન્ટીની નિમણૂંક કરી છે. એઆઇસીસીના મહાસચિવ અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, પાર્ટીએ આ દરમિયાન સુશીલ કુમાર શિંદેની કામગીરીને બિરદાવી હતી જેઓ હિમાચલ પ્રદેશમાં એઆઇસીસીના મહાસચિવની જવાબદારીમાંથી મુક્ત થઇ રહ્યા છે. રાહુલ ગાંધીએ આ ઉપરાંત એઆઇસીસીના સચિવો તરીકે બિહાર કોંગ્રેસ માટે વીરેન્દ્રસિંહ રાઠોડ અને રાજેશ લિલોથિયાની નિમણૂંક કરી છે.