(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૬
વડોદરા નજીક આવેલી નંદેસરી જી.આઇ.ડી.સી.ની ઓર્ગોનીક હાઉસ નામની કંપનીમાં મુકેલા નાળીયેરના છાલમાં આગ લાગતા વડોદરા અને નંદેશરીની ફાયર ફાઇટરોની ટીમે દોઢ કલાકની જહેતમ બાદ આગને કાબુમાં લીધી હતી. આગને કારણે અંદાજીત ૫ લાખથી વધુનું નુકસાન થયું હોવાની માહિતી મળી છે.
ફાયર બ્રિગેડનાં જણાવ્યા અનુસાર વડોદરા નજીક આવેલી નંદેસરી જી.આઇ.ડી.સી.માં આર્ગેનીક હાઉસ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં સુકા નાળીયેલની છાલને પ્રોસેસ કરી તેના બ્લોક બનાવવામાં આવે છે. કંપનીના કંપાઉન્ડમાં બનાવેલી શેડમાં અંદાજીત ૧૦ ટન જેટલો છાલનો ભૂકો રાખવામાં આવ્યો હતો. જેમાં મંગળવારે મોડીરાતે આગ લાગી હતી. નાળીયેરના સુકા છાલના ભૂકામાં આગ લાગવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. આગ લાગવાના બનાવ અંગેની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડનાં ત્રણ ફાયર ટેન્કરો તથા નંદેસરીના ત્રણ ફાયર ટેન્કરોએ આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ચારેય તરફથી પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડ અંદાજીત દોઢ કલાકમાં આગને સંપૂર્ણ પણે કાબુમાં લીધી હતી. આગને કારણે કંમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા માલસામાનને નુકસાન થયું હતું. જોકે આ કંપનીમાં ફાયર સેફટીના સાધનો, સિક્યુરીટી ગાર્ડ તથા સીસીટીવી કેમેરાનો અભાવ જણાતા ફાયર બ્રિગેડે આ અંગેની જાણ નંદેસરી ઔદ્યોગીક એસો.ને કરી હતી. સદ્‌નસીબે કો જાનહાની થઇ ન હતી.