અમદાવાદ,તા.૪
ગુજરાત સરકાર દ્વારા રાજયમાં પ્રથમવાર ચોમાસા દરમ્યાન નદીઓમાં આવતા પૂરથી લોકોને સાવચેત કરવા નવી સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેનાથી પૂરની આગાહી તંત્રને એક કલાક પહેલા મળી જશે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી શકાય. આનો પાયલોટ પ્રોજેકટ વલસાડમાં શરૂ કરવામાં આવ્યો છે. ઓરંગા નદી પર અલ્ટ્રાસોનિક સીસ્ટમ અમલમાં મુકી છે. જો આ પ્રોજેકટ સફળ થશે તો સુરતના કાંઠાના વિસ્તારો સહિત રાજયના અન્ય વિસ્તારોમાં અમલ કરાશે. ચોમાસા દરમ્યાન નદી કાંઠે વસતા લોકોને પૂરના કારણે ભારે નુકસાની ભોગવવાનો વારો આવે છે. ભારે વરસાદ અથવા તો ઉપરવાસમાં પડતા વરસાદને લીધે નદીઓમાં પાણી છોડાતા પૂરની સ્થિતિ સર્જાતી હોય છે. વલસાડ શહેરમાં ઓરંગા નદી કિનારે આવેલા વિસ્તારો પૂરના લીધે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. ત્યારે પૂરની સ્થિતિમાં ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચતું હોય છે. આથી જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને કલેકટર દ્વારા ઓરંગા નદી ઉપર અલ્ટ્રાસોનિક કેમેરા લગાવવામાં આવ્યા છે. જે પૂરની આગાહી તંત્રને એક કલાક પહેલા આપી દેશે ભૈરવી ગામ નજીક તાન,માન અને ઓરંગા નદી મળે છે. ત્યાં એક પૂલ નીચે આ અલ્ટ્રાસોનિક કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેનું દર કલાકે સંબંધિત તમામ અધિકારીઓને મોબાઈલમાં રીડીંગ મળતું રહેશે. તંત્ર દ્વારા ત્રણ પાળીમાં કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેના પર ર૪ કલાક નજર રાખવામાં આવશે. જયારે આ કેમેરામાં પાણીનું લેવલ ૬ મીટર સુધી જશે એ ભયજનક સપાટી નકકી કરવામાં આવી છે. એટલે કે ૬ મીટર લેવલને પાણી અડતાં જ એલાર્મ વાગશે જેનાથી નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપી દેવાશે. આ સીસ્ટમ રાજયમાં પ્રથમવાર વલસાડ ખાતે શરૂ કરવામાં આવી છે. જે પ્રોજેકટ ટેસ્ટ લેવલ પર છે જેના રીડીંગ પણ સંબંધિત અધિકારીઓને મળી રહ્યા છે. જેની સફળતા બાદ અન્યત્ર અમલમાં મુકાશે.