(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા. ૧૭
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર સાથે માંગરોળ મા પણ આજે ધોધમાર ૬ ઈંચ વરસાદના પગલે કામનાથ ની નોળી તેમજ હુસેનાબાદ ની નદીઓ બે કાંઠે થઈ છે. જંગલ વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં પૂર આવતાં અહીં કેટલાક ધોધ પરથી પાણી પડતાં નદી જાણે સિંહ ગર્જના કરતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. અહીંનો લંબોરા અને ભાદ્રેચા ડેમ પણ ચોમાસું ખીલતાં રમણીય બન્યો છે. ધોધ સ્વરૂપે ખડકો પર પડતાં પાણીનો અવાજ કુદરતની ખોળે હોવાનો અહેસાસ કરાવે છે. છેલ્લા એક અઠવાડિયાથી આ સ્થળો પિકનિક પોઈન્ટ બન્યા છે.માગરોળ પંથકમાં છેલ્લા ૬ દિવસ થી સમયાંતરે શાંતિ પૂર્વક વરસાદ પડી રહ્યો છે. સોમવાર સાંજ સુધીમાં માંગરોળ પંથકમાં ૩૮૬મીમી (૧૫.૪૪ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે ગતરાત્રિથી ધોધમાર વરસાદ સાથે સવારના ૬ થી ૮ વાગ્યાની વચ્ચે ૬૮મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૧૦૦ મીમી નો આંક પાર કરી ૬ કલાકમાં ૪ ઈંચ વરસાદ પડતાં જ્યાં જગ્યા ત્યાં પાણી જ જોવા મળતું હતું. જયારે સાંજના પાંચ વાગ્યા સુધી મા આ આકડો ૧૫૪ મીમી એ પહોચી જતાં પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ માંગરોળ પંથકમાં મૌસમનો કુલ ૫૪૦મીમી (૨૧.૪૦ઈંચ) વરસાદ નોધાતા લોકો ની ખુશીનો પાર રહ્યો નથી. છેલ્લા ૨૪ કલાક ના ધોધમાર વરસાદ થી સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયું હતું. જેના પગલે કેશોદ રોડ પર વલ્લભગઢ પાસે પાણી ની આવક વધી જતાં માંગરોળ જુનાગઢ રૂટની બસો બંધ કરવી પડી હતી જ્યારે કોડીનારમાં પણ વરસાદના રોદ્ર સ્વરૂપ ના કારણે માંગરોળ કોડીનાર રૂટની બસો બંધ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદ ના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.