નડિયાદ,તા.ર૯
અમેરિકામાં ભારતીયો પર થઈ રહેલા હુમલાનો વધુ એક બનાવ બન્યો છે . સિકાગોના હાર્વી ખાતે આવેલ ગેસ સ્ટેશન પર કેસ કલેકશન કરવા માટે ગયેલા યુવક પર ગઈકાલે સવારના સમયે બે અશ્વેત લોકોએ ફાયરિંગ કર્યું હતું. જે ઘટનામાં મૂળ ચકલાસીના વોરા પરિવારના ૧૯ વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. મૂળ નડિયાદ તાલુકાના ચકલાસીના છેલ્લા ૯ વર્ષથી અમેરિકામાં પોતાના પરિવાર સાથે સ્થાઈ થયેલા ઈશાકભાઈનો પુત્ર અરસદ અમેરિકામાં ધો. ૧રમા બાયોલોજીનો અભ્યાસ કરતો હતો. અભ્યાસની સાથે સાથે તે સમય મળે પિતાના હાર્વી સ્થિત ગેસ સ્ટેશન પર પણ બેસતો હતો. તા.ર૮-૧ર-૧૭ના રોજ સવારે ૧૦ વાગે તે ગેસ સ્ટેશન પર કેસ કલેકટ ગયો હતો. તે સમયે અચાક બે અશ્વેત લોકો ત્યાં આવી ચડયા હતા. અરસદ કઈ સમજે વિચારે તે પહેલાં જ આ અશ્વેતોએ પોતાની પાસેની રિવોલ્વરમાંથી ૩ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ અરસદનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. જયારે તેની સાથેના મૂળ હૈદરાબાદ આંધ્રપ્રદેશના રહેવાસી બાખરભાઈ (ઉ.વ.૬૦)ને ગોળી વાગતા હાલ તેઓની હાલત ગંભીર છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઈશાક અહેમદ વોરાના બહેનની દીકરીના ર૬-૧ર-૧૭ના રોજ આણંદ ખાતે લગ્ન હતા. જે પ્રસંગમાં હાજરી આપવા માટે પિતા ઈશાક અહેમદ ભારત આવ્યા હતા. જયારે અરસદ અભ્યાસ અર્થે અમેરિકામાં જ હતો. પરંતુ સમગ્ર ઘટના અંગે અરસદના પિતાને જાણ થતાં તેઓ તુરંત જ અમેરિકા જવા રવાના થઈ ગયા હતા. આમ એક તરફ કોઈની દીકરીના લગ્ન અને બીજી તરફ અરસદની હત્યાના બનાવને પગલે પરિવારનો આનંદ ઉત્સાહનો માહોલ શોકમાં ફેરવી દીધો હતો.