(સંવાદદાતા દ્વારા)
નડિયાદ, તા.૨૪
નડિયાદ સહિત જિલ્લાની ઘણી નોન ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ આરટીઈ એક્ટ ૨૦૦૯ અન્વયે પસંદગી પામેલા બાળકોને પ્રવેશ ન આપતા વાલીઓએ આજે જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી છે. જિલ્લામાં હજુ સુધી પ૦ ટકા બાળકોને પ્રવેશ મળ્યો છે. શાળા સંચાલકોના પ્રવેશ ના આપવાના વલણના પગલે વાલીઓમાં રોષ છે તો બીજી બાજુ શિક્ષણ કચેરીએ આવી શાળાઓને નોટિસ ફટકારી છે. ખેડા જિલ્લામાં આવેલી વિવિધ ખાનગી પ્રાથમિક શાળામાં ગરીબ બાળકોએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા શિક્ષણ કચેરીમાં અરજી કરી હતી. જેમાંથી ૧૪૬૮ અરજીઓ માન્ય કરવામાં આવી છે અને આવા બાળકોને તેમની પસંદગીની શાળામાં પ્રવેશ મેળવવા તા.૨૬ મે સુધી છેલ્લી તારીખ છે નડિયાદમાં આવેલ સંત અન્ના, ઈટીએસ ડોન લોસ્કો ડાકોર સહિતની કેટલીક શાળાઓએ પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી આજે વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ આવી આવેદનપત્ર આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સંત અન્ના શાળાના સંચાલકોએ પોતાની શાળા લઘુમતી સંસ્થા હોઈ ઓનલાઈન એડમિશન આપતા નથી તેવું જણાવ્યું હતું. બીજી બાજુ નડિયાદની ઈડીએસ, ડાકોરની ડોન બોસ્કો શાળાના સંચાલકોએ આ રીતે પ્રવેશ આપવા ઈનકાર કરતા વાલીઓ શિક્ષણ કચેરીમાં દોડી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જે.મલેકને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સંત અન્ના હાઈસ્કૂલની ફરિયાદ મળી છે. તેમને નોટિસ આપી પ્રવેશ આપવા માટે જાણ કરી છે જ્યારે પ્રાથમિક શિક્ષણ અધિકારી પટેલે જણાવ્યું હતું કે, નડિયાદની કેટલીક શાળાઓમાં આ રીતે પ્રવેશ આપ માટે ઈન્કાર કર્યો છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે બાળકો આરટીઈ હેઠળ પ્રવેશ માટે પસંદગી પામેલ તેમને પ્રવેશ અપાશે.