કોહિમા,તા.૪
ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા નાગાલેન્ડ સરકારને તાત્કાલિક રૂ.૮૦૦ કરોડની જરૂર હોવાનું રાજ્યના ટોચના અધિકારીએ કહ્યું હતું. હૉમ ઍન્ડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી, સેક્રેટરી રવીલાતૂઓએ કહ્યું હતું કે નાગાલેન્ડ પર આવેલી શ્રેણીબદ્ધ આફતોને કારણે રાજ્યની કુલ વસતિના ઓછામાં ઓછાં ૧૩.૯ ટકા લોકો પર તેની અસર થઈ છે. રાજ્યના સૌથી વધુ અસર પામેલા ૫૩૨ ગામના ૪૮૮૨૧ પરિવારો ઉપરાંત ૫૪૦૮.૫૭ એકર ખેતીવાડીની જમીન પર પણ તેની અસર થઈ છે, એમ તેમણે કહ્યું હતું. આ ચોમાસા દરમિયાન રાજ્યમાં આવેલી શ્રેણીબદ્ધ આફતને કારણે અનેક વિસ્તારમાં રસ્તાઓ ધોવાઈ ગયા હોવા ઉપરાંત અનેક લોકો ઘરવિહોણાં બની ગયા હતા અને ખેતીવાડીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું, એમ તેમણે કહ્યું હતું.
સૌથી વધુ અસર પામેલા વિસ્તારોમાં રાજ્યની રાજધાની કોહિમા, તૂનસેન્ગ, કિફિરે અને ફેક જિલ્લાઓનો સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું.