(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.ર૬
ધોળકા નગરપાલિકા દ્વારા પાકા રસ્તા તો બનાવી દેવાયા છે, પરંતુ તેની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. આથી મુખ્ય માર્ગો ઉપર ધૂળ જામી ગઈ છે. વાહન પસાર થતા ઉડતી ધૂળના કારણે નગરજનોને હાલાકી વેઠવી પડે છે. આખો દિવસ ધૂળ ઉડતા દુકાનદારોના વેપાર-ધંધા ઉપર અસર પડે છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધોળકા ખાતે નગરપાલિકા તંત્ર દ્વારા ઠેર-ઠેર પાકા રસ્તા બનાવવામાં આવ્યા છે. જેનાથી લોકોને થોડી રાહત જરૂર થઈ છે, પરંતુ મોટાભાગના મેઈન રોડ તથા બજાર વિસ્તારમાં રોડની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. ધોળકા નગરપાલિકા પાસે રોડની સફાઈ કરવા માટેનું મશીન પણ ઉપલબ્ધ છે. તો પછી તેનો દરરોજ ઉપયોગ કરવો જોઈએ. એમ લોકો ઈચ્છી રહ્યાં છે. ચૂઈફળી જકાતનાકાથી મધિયા સુધીના વાયા જુના બસ સ્ટેન્ડવાળા મેઈન રોડ પર હાલ ઘણી ધૂળ છે. મેનાબેન ટાવરથી ઘાંચી ઢાળ, લોધીના લીમડા, રાધનપુરીવાડ, મ્યુ.દવાખાનાથી પંચશીલનો રોડ પણ રેગ્યુલર મશીનથી સાફ કરાતો નથી. જુના સ્વામીનારાયણ મંદિર, મોહંમદી સ્કૂલથી ટાવર બજારવાળા રોડની પણ નિયમિત સફાઈ કરવી જરૂરી છે. ખોખર ચકલાથી બજાર સુધીના રોડ ઉપર પણ હાલ ધૂળ છે. કાજી ટેકરાથી બુરૂજ રોડ થઈ બજાર સુધીનો રોડ પણ ચકાચક કરવો તેવી લોકોની માંગ છે. સૌથી વધારે ધૂળ ઘાંચીઢાળ-લોધીના લીમડાથી જુના બસ સ્ટેન્ડ સુધીના રોડ ઉપર ઉડે છે. આખો દિવસ ઉડતી ધૂળથી દુકાનદારો ત્રાસી ગયા છે. ધોળકા નગરપાલિકા દ્વારા દરરોજ મશીન દ્વારા મેઈન રસ્તાઓની સફાઈ કરવામાં આવે તેમ લોકોની માંગ છે.