હિંમતનગર, તા.ર૬
હિંમતનગર પાલિકાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા આઠ મહિનાથી લોકોને પૂરા પડાતું પીવાનું પાણી ડહોળું આવતું હોવાનો આક્ષેપ કરીને આજરોજ પાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના આગેવાનો તથા મહિલાઓએ નગરપાલિકામાં આવી હલ્લાબોલ કરતા થોડીકવાર અફડાતફડી મચી જવા પામી હતી. ત્યારબાદ વિરોધ પક્ષ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ અંગે નગરપાલિકાના વિરોધ પક્ષના અગ્રણી ઈશાક શેખ, નિર્મળાબેન પંચાલ તથા અન્ય કાર્યકરોના જણાવ્યા મુજબ છેલ્લા આઠ માસથી હિંમતનગર પાલિકા ચાંદનગર, બગીચા વિસ્તાર, મહેતાપુર, વ્હોરવાડ તથા પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં પીવાનું જે પાણી આવે છે તે ખૂબ ડહોળું આવતું હોવાને કારણે લોકો બીમારીમાં સપડાયા છે તથા પૂરતા પ્રેસરથી પાણી આવતું ન હોવાને કારણે ખાસ કરીને મહિલાઓને તમામ કામ છોડીને પાણીની પરોજણમાં પડી રહેવું પડે છે.
જે અંગે નગરપાલિકાના સત્તાધિશોને જાણ કરવાના આશયથી આજે સાંજના સુમારે કોંગ્રેસના અગ્રણી તથા નગરપાલિકાના કોર્પોરેટરોએ ભેગા થઈ નગરપાલિકામાં આવી સૂત્રોચ્ચાર કરતાં થોડોક સમય અફડાતફડી મચી જવા પામી હતી. આ પ્રસંગે નગરપાલિકાના વોટર વર્કસ કમિટીના ચેરમેન રાકેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને રજૂઆત કર્તાઓને સાંભળ્યા બાદ ઘટતી કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી.
બીજી તરફ પાલિકા ચીફ ઓફિસર પાંચાભાઈ માળીના જણાવ્યા મુજબ અત્યારે હિંમતનગર પાલિકાના વિસ્તારો જે પીવાનું પાણી અપાઈ રહ્યું છે તે ગુહાઈ ડેમમાંથી લાવવામાં આવે છે પરંતુ ડેમમાં વરસાદ થયો ન હોવાને કારણે પાણીનો જથ્થો ઓછો હોવાથી કદાચ પાઈપલાઈનમાં ડહોળું પાણી આવતું હશે જો કે આ પાણી ગંદુ નથી તેમ છતાં કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપોની સચ્ચાઈ તપાસવા માટે પાલિકા દ્વારા ડહોળા પાણી સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની ચકાસણી કરવા માટે પાણી પુરવઠા બોર્ડમાં મોકલી આપવામાં આવ્યા છે.
જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરાઈ
હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં આવતા ડહોળા અને ગંદા પાણીના કારણે લોકો બીમારીમાં સપડાયા હોવાનો કોંગ્રેસે કરેલા આક્ષેપબાદ પાલિકાના ચીફ ઓફિસરે જિલ્લા આરોગ્ય અધિકારીએ બુધવારે હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં આરોગ્યની ટીમો મોકલી સર્વે કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.