(સંવાદદાતા દ્વારા)
સાવરકુંડલા,તા.ર૪
લુપ્તતા થવાના આરે પહોંચેલ ગીધની નવી વસાહતો રાજુલા ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાઈ છે. અહીં રાજુલાના જાપોદર ગામમાં મહા મુલા ગીધ ની ખુબ વસાહત હતી. ત્યારે અહીં ધાતરવડી ડેમ-૨ બનતા જાપોદર ગામ સંપૂર્ણ ડુબમાં ગયેલ. જેથી અહીં ગીધોનો વસવાટ પણ સ્થળાંતર થયો હતો. ત્યારે નાગેશ્રી નજીક માલિકીની વાડી વિસ્તારમાં , ડુંગર ગામ નજીક તેમજ વિકટર આસરાણા નજીક ગીધોની વસ્તી ખાસી જોવા મળી રહી છે. જેનો મતલબ અહી ગીધ ખુબ સુરક્ષિત છે. અહીના લોકો જ ગીધની ખુબ જાળવણી કરી રહ્યા છે. જેના કારણે જ ગીધ અહી બચવા પામ્યાં છે. અમરેલી જિલ્લામાં માત્ર બેત્રણ વિસ્તારોમાં જ ગીધ જોવા મળે છે. લોકોના પ્રયત્નોથી જ આ લુપ્ત થઇ રહેલ ગીધની પ્રજાતિ અહીં બચવા પામી છે. અમરેલી જિલ્લાના રાજુલા નાગેશ્રી ડુંગર વિકટર આસપાસ હાલ ગીધની વસાહતો બચવા પામી છે. ત્યારે સાવ લુપ્ત થઇ રહેલા ગીધ હાલ આ વિસ્તારમાં જ બચ્યા છે. જે માટે લોકો દ્વારા થતું તેનું જતન તથા ત્યાગ પણ એટલા જ કારણભુત છે. અહી નાગેશ્રી નજીક ભીમ ભાઈ વરૂ ની વાડીમાં ગીધની વસાહત છે. અહી નાળિયેરીમાં ગીધનો કાયમી વસવાટ છે. ત્યારે નાળિયેરની સિઝન હોવા છતાં આ વાડી માલિકો ગીધની રક્ષા અને જતનકાજે પોતાનો નાળિયેરનો પાક પણ ઉતારતા નથી. અને આર્થિક નુકશાન પણ વેઠી ગીધની પ્રજાતિને બચાવી રહ્યા છે. તેમજ ગીધનું બચું કદાચ નાળિયેર નીચે માળામાંથી પડી જાય તો ૨૫થી ૩૦ ફીટ ઉંચી નાળિયેરરીમાં તેઓ ચડી સુરક્ષિત રીતે ગીધના બચા ને મૂકી આવે છે. ત્યારે આર્થિક ખોટ સહન કરી ને પણ આ વાડી માલિકો ગીધની જાળવણી કરી રહ્યા છે. ખાસ કરી અમરેલી જિલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરી, દીલું ભાઈ વરૂ, ભુપેન્દ્ર ભાઈ ખુમાણ, સંજય દોંગા, ભયલુભાઈ સહિતના અગ્રણીઓ પણ ગીધની વસ્તી વધે તે માટે લોક જાગૃતિનું કામ કરી રહ્યા છે. અહી સિંહોની વસ્તી રાજુલા પંથકમાં ખુબ છે અને સિંહો જે મારણ કરે તે મારણનું બચ્યું-કચ્યું આ ગીધોનો ખોરાક છે. જેથી અહીં ગીધ બચવા પામ્યા તેનું કારણ સિંહ પણ છે. આ વિસ્તારમાં ડુંગર, આસરાના, વિક્ટર નાગેશ્રી રાજુલા સહિતના ગામોમાં ગીધ બચવા પામ્યા છે. જેનું કારણ ગીધની જાળવણી અને લોક જાગૃતિ અહીં સારી છે. અહીં ખાસ કરી ઇન્ડિયન ગીધ ગિરનારી ગીધી, સફેદ પીઠ ગીધ, જોવા મળી રહ્યા છે. ત્યારે ખાસ કરી ગીધની સંખ્યા ગીધની ગણતરી કરવામાં આવે તો અહી રાજુલા પંથકમાંથી જ સારા સમાચાર મળી શકે તેવું પ્રકૃતિ પ્રેમીઓ જણાવી રહ્યા છે.