જામનગર, તા.૨૮
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલી ઠેબા ચોકડીથી લાલપુર બાયપાસ તરફ જવાના માર્ગ પર આવેલા ખીમલિયા ગામમાં મનસુખભાઈ ધરમશીભાઈ મુંગરા નામના ખેડૂતની વાડી નજીકના પાણીના વોકળામાં એક માનવ મૃતદેહ જોવા મળતા કોઈએ પોલીસને જાણ કરી હતી. પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર મગનલાલ ચંદ્રપાલ દોડી ગયા હતા.
પોલીસે તે સ્થળે નિરીક્ષણ કરતા પાણીના વોકળામાં એક માનવ મૃતદેહ સંપૂર્ણ રીતે નગ્ન હાલતમાં જોવા મળ્યો હતો જેને પોલીસે બહાર કઢાવી તપાસ કરતા તેના શરીર પર ઓળખની કોઈપણ નિશાની જોવા મળી નથી. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે. માથામાં ઈજાના નિશાનો જોઈ પોલીસે તેની હત્યા કરવામાં આવી હોવાની પણ આશંકા સેવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ર
ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં ગઈકાલે વીજ કંપનીના કેટલાક કર્મચારીઓ ક્ષતિગ્રસ્ત બનેલી વીજલાઈનના સમારકામ માટે પહોંચ્યા હતા જ્યાં તેઓએ ક્ષતિનું સહસ્થળ શોધી કાઢી લતીપુરના પાદરમાં આવેલા સ્મશાન તરફ જવાનું શરૂ કર્યું ત્યારે સ્મશાનના ધાબા (છત) પર એક માનવ મૃતદેહ જોવા મળતા આ કર્મચારીઓએ થાંભલેથી થોડા નીચે ઉતરી નિરીક્ષણ કરતા મૃતદેહ જ હોવાનું અને તેમાંથી દુર્ગંધ વછૂટતી હોવાનું મહેસૂસ કરી પોલીસને જાણ કરી હતી. આ છત પર પહોંચેલી પોલીસે કોઈ પુરૂષની કોહવાઈ ગયેલી લાશ ત્યાંથી કબજે કરી હતી. પોલીસે લતીપુરના લાલજીભાઈ દેવાભાઈ પટેલનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.