(એજન્સી) જિનેવા, તા.૯
યુએન હાઈકમિશનર ફોર હ્યુમન રાઈટ્‌સે કાશ્મીરમાં માનવાધિકારોની સ્થિતિ વિશે પ્રકાશિત કરેલા ગયા વર્ષે પ્રકાશિત કરેલા અહેવાલમાં સુધારો કરી સોમવારે એક નવો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. આ નવા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન બન્ને કાશ્મીરમાં પરિસ્થિતિ સુધારવામાં નિષ્ફળ ગયા છે અને બન્ને દેશોએ પહેલાંના અહેવાલમાં દર્શાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરવા કોઈ નક્કર પગલાં લીધા નથી. આ નવા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય રાજ્ય કાશ્મીર અને પાકિસ્તાનના કબજા હેઠળ રહેલા કાશ્મીરમાં મે ર૦૧૮થી એપ્રિલ ર૦૧૯ દરમિયાન ૧ર મહિનામાં થયેલી નાગરિકોની જાનહાનિ આ દાયકાની સૌથી વધુ જાનહાનિ હતી. સ્થાનિક સિવિલ સોસાયટી દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા મુજબ આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ર૦૧૮માં ૧૬૦ નાગરિકોને મારી નાંખવામાં આવ્યા હતા જે આ દાયકામાં નોંધાયેલી સૌથી વધુ જાનહાનિ હતી. ર૦૦૮થી કાશ્મીરમાં પ૮૬ લોકોને મારી નાંખવામાં આવ્યા હતા. આ અહેવાલમાં આ પણ નોંધવામાં આવ્યું હતું કે, ગૃહમંત્રાલયે તેના અહેવાલમાં જાનહાનિના આંકડા ઓછા દર્શાવ્યા હતા. ગૃહમંત્રાલયના અહેવાલ પ્રમાણે આ ૧૧ મહિનાઓમાં કાશ્મીરમાં ૩૭ નાગરિકો, ર૩૮ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ૮૬ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. આ અહેવાલમાં ૪૭ સભ્ય દેશોની બનેલી યુએન હ્યુમન રાઈટ્‌સ કાઉન્સિલને ભલામણ કરવામાં આવી હતી કે કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘન વિશે એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ યોજવામાં આવે.