(એજન્સી) નવી દિલ્હી, તા.પ
આસામ નાગરિકતા કેસમાં જમિઅત ઉલેમાએ હિન્દને આજે ઐતિહાસિક જીત મળી છે. સુપ્રીમકોર્ટનો ચુકાદો આવ્યા બાદ ત્યાંની ૪૮ લાખ મહિલાઓની નાગરિકતા પર લટકતી જોખમની તલવાર ટળી ગઈ છે. સુપ્રીમકોર્ટમાં આસામ નાગરિકતા કેસને સંબંધિત બે મુદ્દાઓ વિલંબિત હતા, પહેલો કેસ આસામ સરકાર, જેનું માનવું હતું કે નાગરિકતાના પ્રમાણ માટે પંચાયત પ્રમાણપત્ર માન્ય નથી જેને સુપ્રીમકોર્ટે નકારી કાઢયું છે. સુપ્રીમકોર્ટના આ નિર્ણય બાદ હવે ૪૮ લાખ મહિલાઓની નાગરિકતાને લઈને બધી જ અટકળો સમાપ્ત થઈ ગઈ છે. બીજો કેસ અસલી નાગરિકતા અને દ્વિતીય નાગરિકતાનો હતો, સુપ્રીમકોર્ટે આને પણ નકારતાં કહ્યું કે આવા શબ્દોનું ભારતમાં કોઈ સ્થાન નથી. ઉલ્લેખનીય છે કે, જમિઅતે ઉલેમાએ હિન્દનું આસામ એકમ આ કેસ શરૂઆતના દિવસોથી લડી રહ્યું છે. ત્યારબાદ મૌલાના અરશદ મદનીની જમિયત પણ અપીલની અરજી દાખલ કરીને આ કેસમાં પાર્ટી બની હતી. મૌલાના સૈયદ અરશદ મદની, મૌલાના મહમૂદ મદની અને મૌલાના બદરૂદ્દીન અજમલે સુપ્રીમકોર્ટના આ નિર્ણયને જીતનો કરાર આપ્યો છે.