(એજન્સી) તા.૧૮
સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ ગયું છે. તેના પહેલા રવિવારે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તેમાં ૨૭ પક્ષના નેતા જોડાયા. અધ્યક્ષતા સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે સરકાર નિમયો અનુસાર તમામ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. ગૃહનું સૌથી મહત્ત્વપૂર્ણ કામ ચર્ચા કરવાનું છે. આ સત્ર પણ ગત સત્રોની જેમ જ પરિણામ આપનારું હોવું જોઇએ. સંસદમાં સકારાત્મક ચર્ચા સરકારી અમલદારોને પણ સચેત રાખે છે.
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સત્રમાં આર્થિક મંદી, રોજગારનો અભાવ, કાશ્મીર અને ખેડૂતોની સમસ્યાઓ જેવા મુદ્દાઓ પર જરૂરથી ચર્ચા થવી જોઇએ. વિપક્ષે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુખ અબ્દુલ્લાહની કસ્ટડીનો મુદ્દો પણ ઊઠાવ્યો. તેમને સત્રમાં સામેલ થવાની મંજૂરી આપવા માગ કરી હતી. સૂત્રો મુજબ સરકાર આ સત્રમાં રામમંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા અને કોમન સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે. બેઠકમાં પીએમ મોદી ઉપરાંત, ગૃહમંત્રી શાહ, થાવરચંદ ગહલોત, આનંદ શર્મા, ગુલામ નબી આઝાદ, રામગોપાલ યાદવ વગેરે હાજર રહ્યા હતા. શિયાળુ સત્રમાં મોદી સરકારના એજન્ડામાં નાગરિકતા સુધારા અને ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવા સંબંધિત બિલને પસાર કરાવવા પહેલી પ્રાથમિકતા છે. નાગરિક સુધારા બિલ હેઠળ ૧૯૫૫ના સિટિઝનશિપ એક્ટમાં ફેરફારનો પ્રસ્તાવ છે. તે હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવીને ભારતમાં વસેલા હિન્દુ, શીખ, બૌદ્ધ જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને નાગરિકતા આપવાનો પ્રસ્તાવ છે. એનસી સાંસદ હસનૈન મસૂદીએ કહ્યું કે આ સરકારની જવાબદારી છે કે સત્રમાં ફારુખ અબ્દુલ્લાહની ભાગીદારી સુનિશ્ચિત કરે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે એક સાંસદને ગેરકાયદે રીતે કસ્ટડીમાં કેવી રીતે રાખી શકાય? તેમને સંસદીય પ્રક્રિયામાં સામેલ થવાની મંજૂરી આપવી જોઇએ. ખરેખર ફારુખ અને તેમના દીકરા ઓમર અબ્દુલ્લાહ ૩૭૦ હટ્યા બાદથી પીએસએસ કાયદા હેઠળ કસ્ટડીમાં છે. સંસદનું શિયાળુ સત્ર ૧૮ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે. તેમાં ૨૦ બેઠક થશે. હાલ સંસદમાં ૪૩ બિલ પેન્ડિંગ છે. ૧૨ બિલને ગૃહના ધ્યાનાર્થ રખાશે. જે ચોમાસુ સત્ર દરમિયાનથી પેન્ડિંગ છે. ૭ બિલને વિદડ્રો કરવા માટે લિસ્ટિંગ કરાયા છે. ૨૭ બિલનું ઇન્ટ્રોડક્શન થવાનું છે. બીજી બાજુ
ચીટફંડ સુધારા બિલ, મેડિસિન બિલ, હોમિયોપેથી બિલ, સરોગેસી બિલ, ડેમ સેફ્ટી બિલ, નદીઓના પાણી વિતરણનું બિલ, આર્મ્સ બિલ, જુવેનાઈજ જસ્ટિસ બિલ, નેશનલ પોલીસ યુનિવર્સિટી બિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ બિલ, પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, ધ મેડિકલ ટર્મિનેશનલ ઓફ પ્રેગનેન્સી બિલ, એરક્રાફ્ટ બિલ, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ બિલ મુખ્ય છે.

ઝીરો ટોલરન્સ ! નોટબંધી અને સર્જિકલ સ્ટ્રાઈક પછી મોદી સરકારની વધુ એક મોટું પગલું ભરવાની તૈયારી

(એજન્સી) તા.૧૮
મોદી સરકારના પ્રથમ કાર્યકાળથી જ જોવા મળી રહ્યું છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. આ દરમિયાન તેમણે જ બીજી લોકસભા ચૂંટણીમાં પણ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાનના મહત્ત્વપૂર્ણ નિર્ણયોને કારણે બહુમતીથી વિજય મેળવ્યો હતો.પ્રથમ કાર્યકાળ દરમિયાન મોદી સરકારે નોટબંધી અને તેના પછી જીએસટી લાગુ કરવા સહિત સર્જિકલ સ્ટ્રાઈક જેવી મોટી કાર્યવાહી પણ કરી હતી અને જેની દુનિયાભરમાં ચર્ચા રહી હતી. જોકે હવે સરકાર બ્લેકમની વિરુદ્ધ વધુ એક અભિયાન ચલાવવાની તૈયારી કરી રહી છે. હવે તમારી પ્રોપર્ટીને આધાર સાથે જોડવાની કવાયત સરકારે હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રોપર્ટીને આધારથી લિંક કરવા માટે કાયદો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા તબક્કામાં તેનું કામ ચાલી રહ્યુ છે. સરકાર રિયલ એસ્ટેસ સેક્ટરમાં થઈ રહેલા ખરીદ-વેચાણના કૌભાંડને રોકવા, મની લોન્ડ્રીંગ અને બેનામી સંપત્તિની સમસ્યાને દૂર કરવા માટે મોટા પગલા લેવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સરકાર પ્રોપર્ટી ઓનરશિપ માટે નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. જે અંતર્ગત પોતાની સ્થાવાર મિલકતના માલિકાના હક માટે તેને આધારથી લિંક કરાવવું પડશે. તેનાથી જમીન-મકાનની ખરીદીમાં કૌભાંડ રોકવાની સાથે બેનામી સંપત્તિનો પણ ખુલાશો થશે. જણાવી દઈએ કે, મિલકતથી જોડાયેલા મામલાઓ રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે, તેથી કેન્દ્ર સરકાર મોડલ કાયદો બનાવીને રાજ્યને આપશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રોપર્ટીને આધાર સાથે લિંક કરાવ્યા બાદ ગેરકાયદેસર કબ્જે કરેલી મિલકતને છોડાવવાની જવાબદારી સરકારની રહેશે. કબ્જો ના છોડાવવાની સ્થિતિમાં સરકાર વળતર આપશે. જો પ્રોપર્ટીને આધાર સાથે લિંક ના કરાવ્યું તો સરકાર જવાબદાર રહેશે નહીં. જો લોકો ઈચ્છતા હોય કે સરકાર તેમની સંપત્તિની ગેરેંટી લે તો આધાર લિંક કરાવવું પડશે.