(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
લોકસભામાં નાગરિકતા સુધારા બિલ ૯૦ મિનિટ સુધી ભારે વિરોધ વચ્ચે ચર્ચા માટે મુકાયું હતું. આ બિલ બંધારણના સમાનતાના મૂળ અધિકાર સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતું હોવાની વિપક્ષની દલીલને ફગાવી સરકાર તરફથી ચર્ચાનું નેતૃત્વ કરનારા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, જો કોંગ્રેસે ધર્મના આધારે દેશના ભાગલા પાડ્યા ન હોત તો દેશને નાગરિકતા સુધારા બિલની જરૂર પડી ન હોત. વિવાદાસ્પદ નાગરિકતા સુધારા બિલ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાનું સરળ બનાવાની માગ કરે છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે લોકસભામાં સમાનતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન હોવાના આધારે લોકસભામાં નોટિસ આપી હતી. આ બિલને લઇને ઉત્તરપૂર્વના કેટલાક રાજ્યોમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. જ્યાં ઘણા રહેવાસીઓ દાવો કરે છે કે, ગેરકાયદેસર સ્થળાંતરને રોકવા માટેના દાયકાઓ જુના કાયદાનું આ બિલ ઉલ્લંઘન કરે છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. અમિત શાહે જણાવ્યું હતું કે, આ બિલ ૦.૦૦૧ ટકા પણ લઘુમતીઓ વિરોધી નથી. તેમણે આ બિલને ચર્ચા માટે મુકવા જણાવ્યું હતું જેથી ખરડાની યોગ્યતા પર ચર્ચા થઇ શકે. સાથે જ તેમણે કહ્યું કે, આ તબક્કે આ બિલની યોગ્યતા પર ચર્ચા થવી ના જોઇએ.
૨. દરમિયાન કોંગ્રેસના સાંસદ શશી થરૂરે જણાવ્યું હતું કે, જે લોકો એવું માને છે કે, ધર્મના આધારે રાષ્ટ્રીયતા નક્કી થાય તેઓ પાકિસ્તાનના વિચારને અમલમાં મુકે છે. થરૂરે કહ્યું કે, સવારે જે બિલ રજૂ કરાયું તેમાં કહેવામાં આવ્યું છે કે, આ ખરડો માત્ર છ ધાર્મિક ઓળખ ધરાવતા વ્યક્તિઓને જ નાગરિકતા પ્રદાન કરે છે જ્યારે અન્ય ધાર્મિક ઓળખ ધરાવતા લોકોને બાકાત રખાયા છે જેનાથી કેટલાકને નાગરિકતાનો આધાર બનાવવું એક ધાર્મિક ભેદભાવના વિચારનુ ં સમર્થન કરે છે.
૩. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું કે તેઓ આ બિલની વિરોધમાં છે. અમારી પાર્ટી કોઇપણ કિંમતે આ બિલનો વિરોધ કરશે. ભાજપનું કહેવું છે કે, પાડોશી દેશોમાં હેરાન કરાયેલા લઘુમતીઓને આશ્રય આપવા કાયદાકીય પગાલાં લેવા આવશ્યક છે.
૪. આસામ ભાજપના નેતા હિમાંતા બિસ્વા સરમાએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, આ બિલ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક રીતે સતાવેલા લોકોની રક્ષા કરવાનો ઇરાદો ધરાવે છે તો તમે કેવી રીતે કહી શકો કે, આ બિલ બિનસાંપ્રદાયિક છે.
૫. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાએ જણાવ્યું હતું કે, આ બિલની સજા હેઠળ વોટબેંકની રાજનીતિ દેશના હિતમાં નથી. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના સંપદકીયમાં બિલના સમય અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમાં લખાયું કે ભારતમાં હવે મુશ્કેલીઓની કોઇ અછત નથી પણ હજુ પણ આપણે સીએબી દ્વારા નવા લોકોને આમંત્રણ આપી રહ્યા છીએ. એવું લાગે છે કે, બિલને લઇને કેન્દ્ર સરકારે હિંદુઓ અને મુસ્લિમોના અદૃશ્ય ભાગલા પાડવાનું નક્કી કર્યું છે.
૬. પ્રસ્તાવિત બિલને તાજેતરમાં જ પીએમ મોદીના નેતૃત્વવાળી કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જે વિશિષ્ટ ક્ષેત્રોમાં છૂટછાટ આપે છે જે તેના અમલના વિરોધમાં છે. ગેરકાદેસર પ્રવાસીઓને વસાવવાથી પોતાની ધરતી પર વસતા લોકો હેરાન થશે તેવું માનનારા ઉત્તરપૂર્વના આંદોલનકારીઓને શાંત કરવા માટે સરકારે ઉત્તરપૂર્વના કેટલાક રાજ્યોને આ બિલની જોગવાઇઓમાંથી બાકાત રાખ્યા છે.
૭. સંસદીય બાબતોન પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, આ બિલ ઉત્તરપૂર્વના રાજ્યો તથા દેશના હિતમાં છે. આ બિલને સંસદના બંને ગૃહોમાં મંજૂરી મળી જશે. પ્રશ્ન કાળ બાદ તેને લોકસભામાં રજૂ કરવામાં આવશે.
૮. પ્રભાવશાળી ઉત્તરપૂર્વ વિદ્યાર્થી સંગઠન દ્વારા મંગળવારે ૧૧ કલાકના બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેઓ માને છે કે, ૧૯૮૫ના આસામ કરારને ફાડી નાખવાનો આ પ્રયાસ છે જે ૨૪મી માર્ચ ૧૯૭૧ના રોજ તમામ ગેરકાયદેસર શરણાર્થીઓની કટ ઓફ તારીખના રૂપમાં નક્કી કરાયું હતું. વિદ્યાર્થી સંગઠને એલાન કર્યું છે કે, જો બિલ પાસ થશે તો ગયા વર્ષની જેમ તેઓ આંદોલન કરશે.
૯. નરેન્દ્ર મોદી સરકારે ગત સરકારમાં પણ આ બિલને રજૂ કર્યું હતું અને તેને લોકસભામાં બહુમતીના જોરે પસાર કરાયું હતું પરંતુ ઉત્તરપૂર્વમાં વિરોેધને કારણે તેને રાજ્યસભામાં પસાર કરાયું ન હતું. ત્યારબાદ આ બિલ પડી ભાંગ્યું હતું.
૧૦. મૂળ નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ જણાવે છે કે, ભારતીય નાગરિત્વ મેળવનારા લોકો છેલ્લા ૧૪ વર્ષમાં ૧૧ વર્ષ સુધી દેશમાં રહેતા હોવા જોઇએ. સુધારા બિલમાં આ જોગવાઇને ઘટાડી પાંચ વર્ષ કરવામાં આવી છે.

અમિત શાહે ઉત્તર-પૂર્વના રાજ્યોને સિટિઝનશીપ બિલ સામે ‘વિરોધ
ન કરવા’ કહ્યું

(એજન્સી) તા.૯
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર-પૂર્વના રાજ્યોને સિટીઝનશીપ બિલ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન બંધ કરવાનું કહ્યું હતું. તેમણે સોમવારે કહ્યું હતું કે, ઉત્તર-પૂર્વના રાજ્યોની પ્રાદેશિક ઓળખ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે બિલમાં યોગ્ય અપવાદો દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે, હું લોકોને આ જણાવવા માંગું છું કે, આ બિલમાં ઉત્તર-પૂર્વના રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા બધા વાંધાઓનો સમાધાન છે. હવે વિરોધ કરવાની કોઈ જરૂર નથી. પહેલાં જ ઘણું બધુ કરી દેવામાં આવ્યું છે. હવે આ દેશ શાંતિપૂર્ણ રીતે આગળ વધવા માંગે છે. શાહે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, નાગાલેન્ડ અને મિઝોરમને ઈનર લાઈન પરમિટ વડે સુરક્ષિત કરવામાં આવ્યા છે અને આ બાબતમાં રહીશોની લાગણીઓ ધ્યાનમાં રાખી તેમની સાથે મણિપુરને પણ સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ મેઘાલય બંધારણની છઠ્ઠી સૂચિ દ્વારા સંરક્ષિત છે જે તેને આ બિલના ક્ષેત્રમાંથી બહાર રાખે છે.