(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૧
સંસદના શિયાળું સત્રમાં ધર્મને આધારે ૧૯૫૫નો નાગરિકતા કાયદો સુધારવાની નરેન્દ્ર મોદી સરકાર કરી રહેલી તૈયારીઓનો વિરોધ કરવા માટે સમગ્ર ઉત્તરપૂર્વ ભારતમાં બંધ પાળવામાં આવ્યો છે અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે. નાગરિકતા કાયદામાં સુધારા કરવાનો હેતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિન્દુઓ, જૈનો, પારસીઓ, શીખો અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાનો છે. આ લોકો પર તેમના દેશોમાં અત્યાચારો ગુજારવામાં આવે છે. લોકસભામાં નાગરિકતા સુધારા બિલ (સીએબી) ગત સત્રમાં પસાર કરવામાં આવ્યું હોવા છતાં રાજ્યસભામાં આ બિલ પાસ કરવાનું હજી બાકી છે. પાડોશી બાંગ્લાદેશમાંથી આવેલા ગેરકાનૂની ઇમિગ્રન્ટ્‌સને ભારતીય નાગરિકતા આપવામાં આ સુધારો સહાયરૂપ થવાનો હોવાથી આસામમાં તેના ભારે અને વ્યાપક વિરોધ સાથે ઉત્તરપૂર્વના રાજ્યોમાં વિરોધની શરૂઆત થઇ ગઇ છે. આ સુધારા ૧૯૮૫નો આસામ કરાર પણ નિષ્ફળ અને નિરર્થક બનાવી દેશે. આસામ કરાર ૧૯૭૧ની ૨૪ માર્ચ પહેલા યોગ્ય દસ્તાવેજો વગર પાડોશી દેશમાંથી આવીને રાજ્યમાં રહેતા લોકોને શોધી કાઢીને તેમને દેશ બહાર કરવાની રાજ્યોને સત્તા આપે છે. સુધારામાં ધર્મને આધારે દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટ્‌સને અલગ કરવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. આ સુધારા બિલ સામે મોદી સરકારનો વિરોધ કરવા માટે બેનરો લઇને હજારો લોકોએ દેખાવો કર્યા હતા. ગુવાહાટીમાં ઓલ આસામ સ્ટુડન્ટ્‌સ યુનિયન (આસુ)ના ટોચના નેેતાઓ સમુજ્જલ ભટ્ટાયાર્યજી, લુરિન્જ્યોતિ ગોગોઇ અને દિપંકા કુમાર નાથે બેનર્સ સાથે કાઢવામાં આવેલા સરઘસનું નેતૃત્વ કર્યું હતું. દેખાવકારોએ ‘આસામ કરારનો અમલ કરો’, ‘કોમવાદી બિલનો અમે વિરોધ કરીશું’, ‘અમે સીએબીનો સ્વીકાર કરીશું નહીં’, એવા સૂત્રોચ્ચારો કર્યા હતા.