(એજન્સી) તા.૧૦
સંસદમાં રજૂ કરાયેલ નાગરિકતા સુધારા વિધેયકના બે હેતુ છે જેમાં એક હેતુ ટૂંકાગાળાનો અને બીજો હેતુ દુરોગામી એટલે કે લાંબાગાળાનો છે. ટૂંકાગાળાનો હેતુ મુખ્યત્વે બાંગ્લાદેશમાંથી ધાર્મિક ત્રાસને કારણે આવેલ શરણાર્થીઓ કે જેઓ એનઆરસી કવાયતમાં નાગરિકતાથી વંચિત રહી ગયાં છે એવા હિંદુઓને નાગરિકતા આપવાનો છે અને એ રીતે હિંદુઓના કિસ્સામાં એનઆરસીની કવાયતના જે વિપરીત પરિણામો આવ્યાં છે તેને સુલટાવવાનો છે, કારણ કે નાગરિકતા સુધારા વિધેયકમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક રીતે ત્રસ્ત એવા બિનમુસ્લિમોને ભારતમાં છ વર્ષના રોકાણ બાદ ભારતીય નાગરિકતા આપવાની જોગવાઇ છે.
મુસ્લિમોને આ લાભમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે કારણ કે મુસ્લિમ દેશોમાંથી આવતાં મુસ્લિમો ધાર્મિક આધારે કનડગત થયાંનો દાવો કરીને નાગરિકતા પ્રાપ્ત કરી શકે નહીં. આની પાછળનું એક અનુમાન એવું પણ છે કે ૧૯૪૭માં ભાગલા વખતે ઘણા મુસ્લિમોએ ભારત છોડવાનું પસંદ કર્યુ હતું અને તેથી બાકીના હિંદુ ભારતની તેમને પરત લેવા માટે કોઇ જવાબદારી બનતી નથી.
આમ નાગરિકતા સુધારા વિધેયક હિંદુ જમણેરી પાંખ વતી એવો દાવો કરે છે કે ભારત એ હિંદુઓનો દેશ છે અને હિંદુ રાષ્ટ્ર બનવાને પાત્ર છે. આ વૈચારિક બાબત બહુલતાવાદી ભારતીય પ્રજાસત્તાકના સંવિધાનના મૂળભૂત ઉલ્લંઘન તરીકે જોઇ શકાય. આમ નાગરિકતા સુધારા વિધેયક એ ભારતીય પ્રજાસત્તાક માટે ચેતવણીની ઘંટડી સમાન છે. નાગરિકતા સુધારા વિધેયક હિંદુત્વ જમણેરી પાંખના કોમવાદી એજન્ડાના દિલોદિમાગ અને આત્મ સમાન છે અને તે હવે પ્રજાસત્તાકનું ધર્મસત્તાકમાં પુનર્ગઠન કરવા માગે છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૪ અને ૧૫મા અન્ય બાબતો ઉપરાંત ધર્મ સંપ્રદાયના આધારે ભેદભાવ દાખવવા પર પ્રતિબંધ છે. જો આ સુધારા વિધેયકને કાયદો બનવા દેવામાં આવશે તો એ દિવસ દૂર નથી કે જ્યારે હિંદુત્વ પ્રોજેક્ટનો સંપૂર્ણપણે અમલ કરવા માટે વિધિવત પુનર્ગઠનનો સુધારો લાવવામાં આવશે.