(એજન્સી) દિસપુર, તા.૧૭
રિયાઝુલ ઈસ્લામનું કહેવું છે કે, તેમણે ૧૯પ૧માં પારિવારિક દસ્તાવેજ તૈયાર કરાવ્યો હતો જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ ભારતીય છે અને ગેરકાયદે બાંગ્લાદેશી નહીં પરંતુ જુલાઈમાં જારી કરવામાં આવેલ એનઆરસીની સૂચિમાં તેમનું અને તેમની માતાનું નામ ન હતું. કુલ ૪ મિલિયન લોકોના નામ આ સૂચિમાં ન હતા.
આસામના પૂર્વોતર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય ઈસ્લામનું કહેવું છે કે, તેઓ અને તેમની માતા ભારતીય હોવાના કોઈ વિશેષ પુરાવા તેમની પાસે નથી. જો કે તેમના પિતા અને તેમના પરિવારના અન્ય સભ્યોના નામ આ યાદીમાં છે.
બાંગ્લાદેશની સરહદથી નજીક ધુબરી નામના નાનકડા શહેરમાં રહેતા ઈસ્લામે કહ્યું કે, જો મારા પિતા એક ભારતીય નાગરિક છે તો હું કેવી રીતે નથી ? તેમને શું વિશેષ પુરાવા જોઈએ ? આ પ્રકારની ઘટનાઓ હવે આસામમાં સામાન્ય છે.
નોંધનીય છે કે, સરકારે યાદીમાં ચાર લાખ લોકોને સ્થાન આપ્યું નથી. પરંતુ તેમાં મોટાભાગે રાજ્યના લઘુમતી બંગાળી ભાષી મુસ્લિમો છે જેમની વસ્તી ૩૩ મિલિયન છે. અહેવાલો મુજબ આમાંના મોટાભાગના અશિક્ષિત અને ગરીબ છે. કેટલાક લોકોના દસ્તાવેજમાં તેમના નામની જોડણીમાં કે ઉંમરમાં એક ભૂલના કારણે તેમને યાદીની બહાર રખાયા છે.
ભાજપના આસામ પ્રવક્તા બિજાન માજજને કહ્યું કે, નાગરિકતા અભિયાન પાછળ કોઈ ધર્મ આધારિત ઉદ્દેશ્ય નથી. જો કે ગત અઠવાડિયે ભાજપ પ્રમુખ અમિત શાહે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના તમામ બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતાનું આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સૂચિમાંથી બહાર કરાયેલા લોકો સાથે કેવો વ્યવહાર કરવામાં આવશે તે હજુ સુધી સ્પષ્ટ નથી. આસામના વિદેશી ટ્રિબ્યુનલમાં કાર્યરત વકીલ અમન વાડુદે કહ્યું કે, આવી નાની-નાની ભૂલોને કારણે નાગરિકતામાં ઘટાડો થઈ શકે છે.