(એજન્સી) તા.૧૮
ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે આજના રાષ્ટ્રીય વાતાવરણની તીખી આલોચના કરતાં જણાવ્યું છે કે આજના સમયમાં નવી સામાન્ય રાજકીય નૈતિકતાની પ્રથા ઉભરી રહી છે. જેને રોકવા બધા પક્ષોએ પ્રયાસો કરવા જોઈએ. જેથી લોકશાહી પ્રક્રિયામાં વિશ્વાસ જાળવી શકાય. રાવત રાજકીય અને મતદાન સુધારણાના વિષય ઉપર સંબોધન કરી રહ્યા હતા. એમણે કહ્યું કે આજે સામાન્ય માનવીનું માનવું છે કે રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે ગમે તે કરી શકે છે એ કોઈપણ ભોગે ચૂંટણી જીતવાને જ લક્ષ્ય બનાવે છે. જેમાં નીતિ-મત્તાને કોઈ અવકાશ નથી. પોતાના સંબોધનમાં એમણે જણાવ્યું કે ધારાસભ્યોને પક્ષપલટો કરાવવો એ એક સ્માર્ટ મેનેજમેન્ટનો ભોગ બની ગયો છે. જેમાં પૈસો પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સત્તા ઉપર રહેલ સરકાર પોતાની એજન્સીઓનો ઉપયોગ વિરોધીઓને ધમકાવવા માટે કરી રહી છે. આ બધી બાબતો જે પહેલા વખોડાતી હતી આજે એમને પ્રોત્સાહન અપાય છે. એમણે બધા જ રાજકીય પક્ષો રાજકીય નેતાઓ, મીડિયા, સામાજિક સંસ્થાઓ અને બંધારણીય સત્તાધીશોને વિનંતી કરી કે એમણે જાગૃત થઈ આની સામે પગલાં લેવા જોઈએ. આજે ભ્રમિત વિશ્વાસ ફેલાયું છે કે વિજયી નિવડેલ વ્યક્તિએ કોઈ અપરાધ નથી કર્યું અને પક્ષ છોડીને શાસક પક્ષ સાથે જોડાવાથી એમના બધા પાપો ધોવાઈ ગયા છે. આ બે ભ્રમોથી લોકોએ ચેતવવું જોઈએ. રાવતનું નિવેદન હાલમાં ગુજરાતનું રાજ્યસભા ચૂંટણીમાં ભજવાયેલ નાટક સાથે બંધ બેસતું છે. ગુજરાત કોંગ્રેસના ૬ ધારાસભ્યોનો પક્ષ પલ્ટો અને ૪૪ ધારાસભ્યોને બેંગ્લુરૂ લઈ જવાની ઘટના જેથી એમને પક્ષપલ્ટાથી રોકી શકાય અને એ સાથે જ આવકવેરા વિભાગ દ્વારા કર્ણાટકાના મંત્રીના ઘરે અને ઓફિસમાં પડાયેલ દરોડાઓ, કમિશ્નરના નિવેદનને જાણે કે સમર્થન પૂરૂં પાડે છે અને પુરાવા રૂપે છે.