(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
પુણે પોલીસ દ્વારા મંગળવારે દરોડા પાડીને ધરપકડ કરવામાં આવેલા પાંચ કાર્યકરોનેે ૬ઠ્ઠી સપ્ટેમ્બર સુધી નજરકેદ હેઠળ રાખવાનું સુપ્રીમકોર્ટના પાંચ જજીસે બુધવારે નક્કી કર્યું છે. પાંચે કાર્યકરો સામે ત્રાસવાદ વિરોધી કાયદા હેઠળ આરોપો મુકવામાં આવ્યા છે. આ પાંચે કાર્યકરોની ધરપકડને પડકારતી રજૂ કરવામાં આવેલી અરજીનો જવાબ આપવાનો સુપ્રીમકોર્ટે કેન્દ્ર અને મહારાષ્ટ્રને આદેશ આપ્યો છે. ચુકાદો આપતા ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું કે લોકશાહીમાં વિરોધ કરવો એક સેફ્ટી વાલ્વની જેમ છે. જો સેફ્ટી વાલ્વ ન હોય તો પ્રેસર કૂકર ફાટી જશે.
મહત્વના ૧૦ મુદ્દા
૧. વકીલ અને કાર્યકર સુધા ભારદ્વાજ, માઓવાદી વિચારક વારાવારા રાવ અને કાર્યકર અરૂણ ફેરેરા, ગૌતમ નવલખા અને વર્નોન ગોન્ઝાલ્વિસની ધરપકડોનો અર્થ વિરોધ અને અસહમતિ કચડી નાખવાનો હોવાનું જણાવીને અરજદારે ધરપકડો મુલતવી રાખવાની કોર્ટને અરજ કરી છે.
૨. અરજદારોમાંના એક અને ઇતિહાસકાર રોમિલા થાપરે એવું પૂછ્યું કે કરપીણ હત્યા અને લિન્ચિંગથી સમાજમાં ખરેખર આતંક ફેલાવનારાઓની ધરપકડ થવી જોઇએ. નાગરિકત્વ અને અને લોકશાહી માટે આવશ્યક અધિકારો – માનવ અધિકારો માટે કામ કરનારાઓની ધરપકડ કરવી જોઇએ નહીં. શું ભારતીય નાગરિકોના લોકતાંત્રિક અધિકારો રદ કરાયા હોવાનું બતાવવા માટે આ ધરપકડો કરાઇ છે ?
૩.પુણે પોલીસે જણાવ્યું કે કાર્યકરો માઓવાદી સંગઠનો સાથે જોડાયેલા છે અને વર્તમાન રાજકીય સિસ્ટમ પ્રત્યે અસહિષ્ણુતા બતાવી હતી. ધરપકડ કરાયેલા કાર્યકરોની અન્ય ગેરકાનૂૂની સંગઠનો સાથે સંબંધો અને ભયંકર ષડયંત્રમાં ઇરાદાપૂર્વકની તેમની સંડોવણીના નિર્ણાયક પુરાવા છે. પોલીસે જણાવ્યું કે આ કાર્યકરો ૩૫ કોલેજોમાંથી સભ્યોની ભરતી કરવા અને હુમલાઓ કરવાનું કાવતરૂં ઘડી રહ્યા હતા.
૪. કાર્યકરો સામે વિવાદાસ્પદ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ કાયદા હેઠળ આરોપો મુકવામાં આવ્યા છે. આ કાયદો દરોડા પાડવા અને ત્રાસવાદી કૃત્યો કે ગેરકાનૂની પ્રવૃત્તિઓનું સમર્થન કરનાર શંકાસ્પદ વ્યક્તિની વોરન્ટ વગર ધરપકડ કરવાની પોલીસને સત્તા આપે છે. આરોપી જામીન માટે અરજી પણ કરી શકતો નથી અને પોલીસ ૯૦ દિવસને બદેલ ૧૮૦ દિવસમાં તેમની સામે ચાર્જશીટ રજૂ કરી શકે છે.
૫. કાર્યકરોને દિલ્હી અને પુણેની ત્રણ અલગ-અલગ કોર્ટમાં રજૂ કરાયા હતા પરંતુ સુપ્રીમકોર્ટના નિર્ણયથી કાર્યવાહી રદ થઇ ગઇ છે.
૬. ઘણા શહેરોમાં દરોડા પાડીને ધરપકડો કરાઇ છે. નામાંકિત તેલગુ કવિ અને માઓવાદી વિચારક વારાવારા રાવની હૈદરાબાદથી ધરપકડ કરાઇ. કાર્યકર વર્નોન ગોન્ઝાલ્વિસ અને અરૂણ ફેરેરાની મુંબઇથી અટકાયત કરાઇ, ટ્રેડ યુનિયન કાર્યકર સુધા ભારદ્વાજની હરિયાણાના ફરિદાબાદથી જ્યારે સિવિલ લિબર્ટીસ કાર્યકર ગૌતમ નવલખાની નવી દિલ્હીથી ધરપકડ કરાઇ છે.
૭. સૂત્રોએ જણાવ્યું કે માઓવાદીઓ સાથે સંબંધ ધરાવવા બદલ જૂનમાં પકડાયેલા પાંચ લોકો સુધીર ધાવાલે, સુરેન્દ્ર ગાડલિંગ, મહેશ રાઉત, રોના વિલ્સન અને શોમા સેનની પૂછપરછ કરવામાં આવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે તેઓએ ઉશ્કેરણીજનક પ્રવચનો આપ્યા હતા અને તેના કારણે ડિસેમ્બર ૨૦૧૭માં ભીમા કોરેગાંવમાં હિંસા ફાટીનીકળી હતી.
૮. આ ધરપકડો સરકાર અને વિપક્ષ વચ્ચે મહત્વનો મુદ્દો બની ગઇ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એવું ટિ્વટ કર્યું છે કે ભારતમાં એકમાત્ર એનજીઓને સ્થાન છે અને તેને આરએસએસ કહેવાય છે. અન્ય બધી એનજીઓ બંધ કરી નાખો. બધા કાર્યકરોને જેલમાં પુરી દો અને ફરિયાદ કરનારાઓને ગોળીમારી દો. વેલકમ ટુ ન્યૂ ઇન્ડિયા.
૯.ભાજપના સંબિત પાત્રાએ જણાવ્યું કે રાહુલ ગાંધી કદાચ ભૂલી ગયા છે કે રાહુલ ગાંધી કદાચ ભૂલી ગયા છે કે તેમના પક્ષે આ ‘શહેરી નક્સલો’ને જંગલોમાં ગેરિલા લડાઇ લડનારાઓ કરતા વધુ મોટો ખતરો ગણાવ્યો હતો.
૧૦. આ ધરપકડો ૧૮૧૮માં ઉચ્ચ જાતિના મરાઠા પેશવાઓ પર દલિત સૈનિકોના વિજયની ઉજવણી કરવા માટે દલિતો દ્વારા યોજવામાં આવેલી એલગાર પરિષદ ખાતે પહેલી જાન્યુઆરીએ સર્જાયેલી અથડામણો સાથેે સંકળાયેલી છે. પોલીસે એવો આક્ષેપ કર્યો હતો કે હિંસા ભડકાવવાનું માઓવાદીઓનું કાવતરૂં હતું.
પાંચ કાર્યકરો ૬ઠ્ઠી સપ્ટેમ્બર સુધી નજરકેદમાં રહેશે : સુપ્રીમકોર્ટ

Recent Comments