(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૫
એક વિચિત્ર પરંતુ આઘાતજનક ઘટનામાં લાપતા થયેલા જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થી નજીબ એહમદની માતાએ એવો આક્ષેપ કર્યો છે કે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા ટુડે સામેના ગુનાહિત બદનક્ષીના કેસની ફાઇલ પટિયાલા હાઉસ કોર્ટમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અમ્બિકાસિંહની રજીસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગઇ છે. જેએનયુના વિદ્યાર્થી નજીબ એહમદની માતા ફાતિમા નફીસે એક નિવેદનમાં જણાવ્યું કે કોર્ટ સંકુલમાંથી અત્યંત આઘાતજનક અને નિર્લજ્જ રીતે ફાઇલ કાઢી નાખવામાં આવી છે. ફાતિમા નફીસે તેમના પુત્રનું નામ એક આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન સાથે જોડીને તેને બદનામ કરવા બદલ એબીવીપીનો કાર્યકર સૌરભ શર્મા જેવી વ્યક્તિઓ અને ટાઇમ્સ ગ્રુપ તેમ જ ઇન્ડિયા ટુડે ગ્રુપ સામે ફરિયાદ નોંધાવી છે. ફાતિમા નફીસના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેમના નિવેદનનો બીજો ભાગ શુક્રવારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો. તેઓ ઇન્ડિયા ટુડે, દિલ્લી આજતક અને સૌરભ શર્માની ભૂમિકા રેકોર્ડ પર લાવવા માગતા હતા પરંતુ આ ફાઇલ ગુમ થઇ હોવાની જાણ કરવામાં આવતા પરિવારને ભારે આઘાત લાગ્યો છે. રેકોર્ડ કરવામાં આવેલા નિવેદનમાં એવું વંચાય છે કે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ ૨૦૧૭ની ૨૧મી માર્ચે નજીબ એહમદ સામે અપમાનજક, બદનક્ષીભરી અને દ્વેષપૂર્ણ ઝુંબેશ શરૂ કરી હતી. આ દ્વેષપૂર્ણ ઝુંબેશમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નજીબ એહમદ તેના લેપટોપ પર ઉશ્કેરણીજનક કે ભડકાઉ સામગ્રી નિહાળતો હતો અને એક આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન સાથે જોડાયેલો હતો. આ કોમવાદી અને ઘૃણાસ્પદ પ્રોપેગન્ડા અન્ય ન્યૂઝ એજન્સીઓ દ્વારા પણ ચગાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે ફેલાવવામાં આવ્યો હતો. નજીબની માતાએ દિલ્હી પોલીસ સામે પણ ભેદભાવ કરવાનો અને નજીબ પર હુમલો કરનારા એબીવીપીના સભ્યોને કવચ પુરૂ પાડવાનો આરોપ મુક્યો છે. તેમણી સીબીઆઇ સામે પણ કેન્દ્ર સરકારમાંના તેમના રાજકીય આકાઓ સામે શરણે થવાનો આરોપ મુક્યો છે.