(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
સમજૌતા એક્સપ્રેસ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદ અને અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી દેનાર ખાસ અદાલતે જણાવ્યું કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) માત્ર આ કેસની તપાસમાં બેદરકારી કરી નથી પરંતુ નક્કર પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં પણ નિષ્ફળ નીવડી છે. પોાતના આદેશમાં પંચકૂલની ખાસ કોર્ટના જજ જગદીપસિંહે જણાવ્યું કે ફરિયાદ પક્ષ દ્રારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓમાં ઘણી બેદરકારી દાખવવામાં આવી હતી. આ બેદરકારીને કારણે જ આ હિંસક ઘટનામાં કોઇ પણ આરોપીને સજા કરી શકાઇ નથી. આતંકવાદનો કોઇ ધર્મ નથી, કારણ કે દુનિયાનો કોઇ પણ ધર્મ હિંસા ફેલાવતો નથી. કોર્ટનો આદેશ જનભાવનાઓને આધારે હોવો જોઇએ નહીં કે પછી કોઇ રાજનીતિથી પ્રેરિત હોવો જોઇએ નહીં. કોર્ટનો આદેશ માત્ર પુરાવાઓને આધારે હોવો જોઇએ.
જજે જણાવ્યું કે સમજૌૈતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસમાંં આરોપીઓએ ગુનો આચર્યો હોવાનું પુરવાર કરતા કોઇ પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. એટલું જ નહીં, ઘણા સ્વતંત્ર સાક્ષીઓની પણ પૂછપરછ કરવામાં આવી નથી. ખાસ કોર્ટના જજ જગદીપસિંહે જણાવ્યું કે એનઆઇએ આ કેસના આરોપીઓ વચ્ચે થયેલી વાતચીતના પુરાવા પણ રજૂ કરવામાં નિષ્ફળ નીવડી છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે સંદેહ ક્યારેય પણ પુરાવાનું સ્થાન લઇ શકે નહીં. કેન્દ્રીય તપાસ એજન્સીનો ઉધડો લેતા ખાસ કોર્ટના જજ જગદીપસિંહે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે મને ભારે દુઃખ અને પીડા સાથે ચુકાદાનું સમાપન કરવું પડી રહ્યું છે, કારણ કે વિશ્વસનીય અને સ્વીકાર્ય પુરાવાઓના અભાવને કારણે હિંસાના આ નૃશંસ કૃત્યમાં કોઇને પણ દોષિત ઠરાવી શકાયો નથી. ફરિયાદ પક્ષના પુરાવાઓમાં સાતત્યતાનો અભાવ હતો અને આતંકવાદનો મામલો વણઉકેલાયેલો રહી ગયો. નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દોડતી સમજૌૈતા એક્સપ્રેસ ટ્રેનમાં ૨૦૦૭ની ૧૮મી ફેબ્રુઆરીએ હરિયાણાના પાણીપત પાસે વિસ્ફોટ થયો હતો. તે વખતે ટ્રેન અટારી જઇ રહી હતી. અટારી ભારત તરફનું છેલ્લું સ્ટેશન છે. સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટમાં ૬૮ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પાકિસ્તાની નાગરિક હતા. સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસમાં કોર્ટે ચારે આરોપીઓ – અસીમાનંદ, કમલ ચૌહાણ, રાજિંદર ચૌધરી અને લોકેશ શર્માને ગત ૨૦મી માર્ચે પુરાવાના અભાવને કારણે નિર્દોષ છોડી દીધા હતા.