(એજન્સી) મુંબઈ, તા.ર૪
મુંબઈની સ્પે. કોર્ટે ભલે પ્રજ્ઞાસિંઘ ઠાકુરને ક્લિનચીટ આપવા ઈન્કાર કરી એમની સામે ર૦૦૮માં માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી પણ ફરિયાદ પક્ષ એનઆઈએએ કોર્ટમાં મંગળવારે કહ્યું કે, ઠાકુરની સામે કેસ ચલાવવા નક્કર પુરાવાઓ નથી. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ સૈયદ અઝહરના પિતા નિસાર અહમદ સૈયદ બિલાલ તરફથી દાખલ થયેલ અરજી સંદર્ભે જવાબ રજૂ કરતા એનઆઈએએ પોતાની વાત ફરીથી દોહરાવી હતી.
માલેગાંવ બ્લાસ્ટમાં ૬ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. જ્યારે ૧૧૦ વ્યક્તિઓ ઘવાઈ હતી. બિલાલે પોતાની અરજીમાં પ્રજ્ઞાને ચૂંટણી લડવા માટે રોકવામાં આવે એ પણ માગણી કરી હતી. એનઆઈએએ કોર્ટને કહ્યું કે, અમોએ ૧૩મી મે ર૦૧૬માં ચાર્જશીટ દાખલ કરી હતી. એન.આઈ.એ.એ ૧૦ આરોપીઓ સામે કેસ ચલાવવા ભલામણ કરી હતી એ પણ કહ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુર વિરૂદ્ધ પૂરતા પુરાવાઓ નથી. જેથી એમની સામે કેસ ચલાવી શકાય. સ્પે. સરકારી વકીલ અવિનાશ રસલે કહ્યું કે, ઠાકુરને ક્લિનચીટ આપવાવાળા પેરેગ્રાફને કેસના બેકગ્રાઉન્ડમાં જોડવામાં આવ્યો હતો. એમને પૂછાયું કે, પ્રજ્ઞા સામે આક્ષેપો ઘડવાનો ઉલ્લેખ એનઆઈએના જવાબમાં કેમ રજૂ કરાયો નથી. ત્યારે એમણે કહ્યું આગળ ચાલનાર કેસમાં પ્રજ્ઞા સામેના પુરાવાઓ રજૂ કરીશું. જો ફરિયાદ એજન્સીનો ફાઈનલ રિપોર્ટ કોર્ટ નહીં સ્વીકારે તો એજન્સીની જવાબદારી છે કે, એ આરોપી સામેના બધા પુરાવાઓ રજૂ કરે.