(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
ગુજરાતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ એન.કે. અમીન અને તરૂણ બારોટ જે બનાવટી એન્કાઉન્ટર કેસોના આરોપીઓ હતા, એમણે આજે પોતાના હોદ્દાઓ ઉપરથી રાજીનામા આપ્યા છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ બાહેંધરી રજૂ કરી છે કે એ પોતાના હોદ્દાઓ ખાલી કરશે. સુપ્રીમ કોર્ટે ગુજરાતના બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તરત જ નોકરી છોડવા આદેશ આપ્યો હતો. જે નિવૃત્ત થયા પછી પણ નોકરી કરી રહ્યા હતા. આ બંને અધિકારીઓ બનાવટી એન્કાઉન્ટરના આરોપીઓ હતા. આ બે અધિકારીઓ એન.કે. અમીન અને તરૂણ બારોટ છે. આ બંનેએ કોર્ટને જણાવ્યું હતું કે એ બંને આજથી જ પોતાની નોકરી છોડી દેશે. અમીન ગયા વર્ષે નિવૃત્ત થયા હતા. એ પછી એમની નિમણૂક ગુજરાત સરકારે એક વર્ષ માટે કરાર આધારિત મહિસાગરમાં પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટના હોદ્દા ઉપર કરી હતી. અમીન સોહરાબુદ્દીન અને સાદિક જમાલ એન્કાઉન્ટરના આરોપી હતા. મુખ્ય ન્યાયાધીશે એમની સામે દાખલ થયેલ અરજીની સુનાવણી પછી બંનેને નોકરી છોડવા આદેશ આપ્યો હતો. આ બંને પોલીસ અધિકારીઓની નિમણૂકોને પડકારતી અરજી આઈપીએસ અધિકારી રાહુલ શર્માએ કરી હતી. આ પહેલાં એમની અરજી ગુજરાત હાઈકોર્ટે રદ કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે બનાવટી એન્કાઉન્ટરમાં એ આઠ વર્ષ સુધી જેલ ભોગવી ચૂક્યા છે, તેમ છતાંય નિવૃત્તિ પછી ગુજરાત સરકારે એમની નિમણૂકો કરી હતી. અરજી મુજબ તરૂણ બારોટ પણ હત્યા, અપહરણથી જોડાયેલ કેસોના આરોપી હતા અને ત્રણ વર્ષ સુધી જેલ ભોગવી ચૂક્યા છે.