અમદાવાદ,તા. ૧૦
૨૦૦૦ના દરની બનાવટી ચલણી નોટો અમદાવાદમાં લાવી ખુલ્લા બજારમાં ફરતી કરવાનું ષડયંત્ર પાર પાડવા જતાં પહેલાં જ શહેર ક્રાઇમબ્રાંચના હાથે એસપી રીંગ રોડ નાના ચિલોડા ખાતેથી ઝડપાઇ ગયેલા ચાર આરોપીઓને મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ ડી.સી.ઠક્કરે છ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ ચારેય આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ઇન્ચાર્જ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા અને તેમના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેને ધ્યાને લઇ કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પર સોંપાયેલા આરોપીઓમાં સંજયગીરી ઉર્ફે ગીરી ઉર્ફે પીન્ટુ અમૃતગીરી ગોસ્વામી (ઉ.વ.૨૬) (રહે.ગામ તાજપુરી, શિવજીમંદિરની બાજુમાં, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા), પરેશ ઉર્ફે પટેલ ઇશ્વરભાઇ પરમાર (ઉ.વ.૨૪) (રહે.ગામ ગલોડિયા, ભાંભીવાસ, તા.ખેડબ્રહ્મા, જિ.સાબરકાંઠા), નરેન્દ્રસિંહ ઉર્ફે અકબર હઠીસિંહ પરમાર(ઉ.વ.૨૪)(રહે.ગામ પોલાજપુર નાનાવાસ, ગુજરાતી શાળાની બાજુમાં, તા.હિંમતનગર, જિ. સાબરકાંઠા) અને ધર્મેન્દ્ર ઉર્ફે પ્રેમો રૂપસિંહ રાઠોડ (ઉ.વ.૨૬) (રહે.ગામ મહુડી અતિથિ ભવનની બાજુમાં પેટાપરા, તા.માણસા, જિ.ગાંધીનગર)નો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓને ક્રાઇમબ્રાંચે ગઇકાલે નાના ચિલોડા પાસેથી રૂ.૧.૯૦ લાખની કિંમતની ૯૫ બનાવટી રૂ.૨૦૦૦ની નોટો સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. ક્રાઇમબ્રાંચે રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, રૂા.૨૦૦૦ની નવી નોટોની આબેહૂબ નકલ કરી નકલી નોટો છાપી તેને ભારતીય બજારમાં ફરતી કરવાના અને દેશના અર્થતંત્રને તોડી પાડવાના ષડયંત્રમાં આરોપીઓને સાથે રાખી તપાસ કરવાની જરૂરી હોઇ તેઓના રિમાન્ડ જરૂરી છે. નકલી નોટો હિંમતનગર પાસેના એક ફાર્મ હાઉસમાં છપાતી હોવાની આરોપીઓએ આપેલી માહિતીના આધારે તે મુદ્દે પણ તપાસ કરવાની છે. આરોપીઓએ અત્યારસુધીમાં કેટલી બનાવટી નકલી નોટો ખુલ્લા બજારમાં ફરતી કરી અને તેમનું શું પ્લાનીંગ હતું તે સહિતની માહિતી પણ કઢાવવાની છે. આરોપીઓ સાથે આ સમગ્ર ષડયંત્રમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તેની તપાસ કરવાની છે આ સંજોગોમાં તેઓના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ.