(એજન્સી) દંતેવાડા, તા.૩૦
છત્તીસગઢના દંતેવાડામાં ફરી એકવાર નકસલીઓએ ઘાતકી હુમલો કરતાં દૂરદર્શનના એક કેમેરામેન સહિત બે જવાનો શહીદ થયા હતા. જ્યારે બીજા ઘણા પત્રકાર ઘાયલ થયા હતા. આ નકસલી હુમલામાં દૂરદર્શનના કેમેરામેન અચ્યુતાનંદ સાહુનું મોત થયું હતું. એજન્સીના અહેવાલો મુજબ મંગળવારે સવારે અરનપુર વિસ્તારમાં દૂરદર્શનના પત્રકારોની ટીમ પર નકસલીઓએ હુમલો કર્યો હતો, જ્યાં પત્રકારોની ટીમ સલામતી દળોની કામગીરીનું રિપોર્ટિંગ કરી રહ્યા હતા. તે સમયે અચાનક નકસલીઓએ હુમલો કરતાં બે જવાનો સહિત એક કેમેરામેન શહીદ થયા હતા. જ્યારે કેટલાક પત્રકારો અને જવાનો ઘાયલ થયા હતા. શહીદ કેમેરામેનનું નામ અચ્યુતાનંદ સાહુ હતું. જ્યારે સબ ઈન્સ્પેક્ટર સદ્રુપ્રતાપ અને માંગલુ પણ શહીદ થયા હતા તેમ ડીજીપી સુન્દરરાજે કહ્યું છે.
છત્તીસગઢમાં ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ૧ર અને ર૦ નવેમ્બરે પણ હુમલા થયા હતા. આ વિસ્તાર ખૂબ જ માઓવાદીઓનો હિંસા પ્રભાવિત સ્થળ છે. કેન્દ્રીય મંત્રી રવીશંકર પ્રસાદે કહ્યું કે, છત્તીસગઢમાં માઓવાદી હુમલાઓ ઘટ્યા છે. માઓવાદીઓ સામે સરકારે લીધેલા પગલાંથી હવે ૧પ૦માંથી માત્ર ૭પથી ૮૦ જિલ્લાઓમાં તેની અસર છે.
બીજાપુર જિલ્લામાં માઓવાદીઓએ બ્લાસ્ટ કરી ૪ જવાનોને શહીદ કર્યા હતા.

ફેસબુક પર પોસ્ટ કર્યાના કલાકોમાં જ દૂરદર્શનના
કેમેરામેનનું માઓવાદી હુમલામાં મોત

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
છત્તીસગઢના દંતેવાડામાં નકસલી હુમલામાં શહીદ થયેલા દૂરદર્શનના કેમેરામેન અચ્યુતાનંદે મૃત્યુના પાંચ કલાક પહેલાં ફેસબુક પર દંતેવાડાના નકસલી વિસ્તારના કેટલાક ફોટાઓ ફેસબુક પર મૂક્યા હતા. શહીદ કેમેરામેન સાહુ અને તેમના બે સાથીઓ ચૂંટણીના કવરેજ માટે છત્તીસગઢમાં હતા.
શહીદ કેમેરામેન સાહુએ દંતેવાડાના કેટલાક બાળકો સાથે હસતા મોંઢે લીધેલ સેલ્ફી ફેસબુક પર મૂકી હતી. તેમણે પાણીના ધોધના દૃશ્યો પણ ફેસબુક પર મૂક્યા હતા. દૂરદર્શનની ટીમ સુરક્ષા દળોની સાથે ચૂંટણીનું કવરેજ કરતી હતી.