(એજન્સી) રાયપુર, તા.ર૪
છત્તીસગઢના નારાયણપુરમાં પોલીસ અને નકસલીઓ વચ્ચે અથડામણમાં ૪ જવાન શહીદ થયા હતા. આ અથડામણમાં ૧૧ જવાન ઘાયલ પણ થયા હતા. ઘાયલ જવાનોની સારવાર માટે તેમને રાયપુર ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં મોટી સંખ્યામાં પોલીસના જવાન સર્ચ ઓપરેશન પર નીકળ્યા હતા. આ દરમિયાન જાલ બીછાવી બેઠેલા નકસલવાદીઓએ જવાનો પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલો ઈરપનર ગામમાં અભુજમદ વિસ્તારમાં થયો હતો. સ્પેશિયલ ડાયરેકટર જનરલ પોલીસ ડી.એમ.અવસ્થીએ જણાવ્યું કે બે સબ ઈન્સ્પેકટર અને ઘણા કોન્સ્ટેબલે પોતાની જાન ગુમાવી હતી જ્યારે ૧૧ જેટલા જવાન ઘાયલ થયા છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ડીઆરજીના પર્સનલ જવાનો જંગલમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે અચાનક હુમલો થયો હતો. જ્યારે હુમલાની જાણકારી મળતા બીજા જવાનો પણ એ જગ્યાએ આવી પહોંચ્યા હતા. અવસ્થીએ વધુમાં જણાવ્યું કે, ઘાયલ જવાનોને રાજધાની રાયપુરમાં મોકલવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આઈજીએ જણાવ્યું કે ગોળીબારમાં ૧૧ લોકો ઘાયલ થયા છે. જગદલપુરમાં શહીદ થયેલા જવાનોના દેહોને હેલિકોપ્ટર દ્વારા લઈ જવામાં આવશે. અચાનક હુમલો થતાં આઈજી વિવેકાનંદ નારાયણપુર વચ્ચે બપોરે આમને સામને ખૂબ જ ગોળીબાર થયો હતો.