અમદાવાદ, તા.ર૩
ગુજરાત એટીએસની ટીમે વલસાડથી એક ખુંખાર નકસલવાદીને ઝડપી પાડ્યો છે. પકડાયેલો નકસલવાદી બિહારની રહેવાસી છે તેમજ ૧૦થી વધુ સીઆરપીએફ જવાનોની હત્યામાં પણ તે સામેલ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ગુજરાતમાં આશ્રય લઈને સંતાઈને રહેતા નકસલવાદીને આખરે ગુજરાત એટીએસએ ઝડપી પાડી મોટી સફળતા હાંસલ કરી છે. પકડાયેલો ખુંખાર નકસલવાદી અન્ય કેટલાક ગંભીર ગુનાઓના સંડોવાયેલો હોય શકે તેવી શક્યતાના આધારે એટીએસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાતની એન્ટી ટેરરીસ્ટ ક્વોડે વલસાડમાં દરોડા પાડ્યા હતા. અહીં બાતમીના આધારે એક ફ્લેટમાં છૂપાયેલા નક્સલવાદીને દબોચી લીધો હતો. એટીએસની ટીમના જણાવ્યા પ્રમાણે આ નક્સલવાદીનું નામ રાજેશ મોચી છે અને તે મૂળ બિહારનો રહેવાસી છે. રાજીવે અનેક હુમલાને અંજામ આપ્યો છે. જેમાં ૧૦થી વધુ સીઆરપીએફના લોકોની હત્યાની ઘટના પણ સામેલ છે. તો રાજીવ વિરૂદ્ધ ૫૦થી વધુ ગુનાઓ દાખલ છે. એટીએસએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૬માં રાજેશ, અનીલ યાદવ, ચંદન નેપાલી અને અન્ય માઓવાદીઓએ ઓરંગાબાદ, બિહારના જંગલ વિસ્તારમાં આઈઈડી બ્લાસ્ટથી હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના ૧૦ કમાન્ડો શહીદ થયા હતા. ત્યારબાદ માર્ચ ૨૦૧૭માં સીઆરપીએફને માહિતી મળી કે ગુરપાના જંગલમાં માઓવાદી સંગઠનનું એક મોટું ગ્રુપ કોઇ દેશ વિરોધી કૃત્યને અંજામ આપવા એકત્રિથ થઇ રહ્યું છે જે આધારે સીઆરપીએફની કોબ્રા બટાલિયને માઓવાદીઓને પકડી પાડવા માટે સમગ્ર વિસ્તારને ઘેર્યો હતો, આ દરમિયાન માઓવાદીઓએ ઓટોમેટિક રાઇફલથી હુમલો કર્યો હતો. પરંતુ ૪ માઓવાદી ઠાર મરાયા હતા અને મોટાપાયે હથિયાર કબજે કરાયા હતા. આ અથડામણમાં રાજેશને હાથમાં ગોળી વાગી હતી, ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો, ત્યારબાદ તે પોતાની મૂળ ઓળખ છૂપાવી નાસતો ફરતો હતો. વર્ષ ૨૦૧૮માં રાજેશ રવિદાસ દમણમાં આવ્યો હતો, અહીં તેણે પોતાની ઓળખ ગોપાલ પ્રસાદ તરીકે આપી થોડા સમય માટે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો. ત્યારબાદ વલસાડ જિલ્લાના વાપી ખાતે મજૂરી કામ કરવા લાગ્યો હતો. આ દરમિયાન એટીએસ ગુજરાતને માહિતી મળી કે માઓવાદી સંગઠનના બિહાર ઝારખંડ (મગધ) વિસ્તારના સ્પેશિયલ એરિયા કમિટિના ઇન-ચાર્જ પદ્યુમન શર્માનો જમણો હાથ ગણાતા અને રાજગીર, બિહારના ઝોનલ કમાન્ડર રાજેશ રવિદાસ ઉર્ફ ગોપાલ પ્રસાદ ઉર્ફ ઉત્તમજી વાપીમાં છૂપાયેલો છે, જે આધારે એટીએસ ગુજરાતની ટીમે નક્સલવાદીને ઝડપી પાડ્યો છે. ત્યારે માઓવાદી સંગઠન બિહાર-ઝારખંડ વિસ્તારના એરિયા કમિટિ હેડ પ્રદ્યુમન શર્મા સાથે તેના હાલના સંબંધો અને તેની ગુજરાતમાં હાજરી અનુસંધાને પૂછપરછ કરવામાં આવી રહી છે.