બોડેલી, તા.ર૯
બોડેલી-ડભોઈ રોડ પર પાટણા ગામના પાટિયા પાસેના નાળામાં સળગાવેલ હાલતમાં અજાણી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બોડેલી પોલીસે સ્થળ પર આવી યુવતીની લાશને પેનલ પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોડેલી-ડભોઈ ધોરીમાર્ગ પર બોડેલી તાલુકાના પાટણા ગામના પાટિયા પાસેના નાળામાં વહેલી સવારે એકતરફ વરસાદના છાંટા ચાલુ હતા અને બીજી બાજુ નાળામાંથી ધુમાડાના ગોટા નીકળતા હોવાથી આસપાસના ગામના લોકો દૂધ ભરવા જતા હતા ત્યારે ધુમાડા જોઈ નાળા પાસે જતા એક લાશ સળગતી જોવા મળી હતી. તેની ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચે ઘટનાસ્થળે દોડી આવી દૃશ્ય જોતા જ બોડેલી પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને કોઈકે સળગાવી દીધેલ આ યુવતીને જોવા ઘટનાસ્થળ પર ભેગા થયેલ ગામના લોકો પણ યુવતીને ઓળખતા ન હોવાથી કોઈક બહારથી આવી આ કૃત્ય કરી ગયેલું મનાય છે. પ્રેમ પ્રકરણ કે પછી બીજી કોઈ અદાવતમાં યુવતીને સળગાવેલ છે તે તો તેની ઓળખ પછી જ ખબર પડશે. પોલીસે યુવતીની લાશ જબુગામ પોસ્ટમોર્ટમ માટે મોકલી છે અને પેનલ પોસ્ટમોર્ટમ બાદ જ યુવતીને મારીને સળગાવી છે કે જીવતી સળગાવી છે ? તેની ખબર પડશે જ્યારે સ્થળ પર ઉમટી પડેલ લોકોમાં અનેક તર્કવિતર્કો થતા હતા.