અમદાવાદ,તા.૧૫
ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કૌભાંડમાં વારંવારના સમન્સ અને તાકીદ છતાં નલિન કોટડિયા તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર નહી થતાં આખરે સીઆઇડી ક્રાઇમ દ્વારા કોટડિયાની વિધિવત્‌ ધરપકડ માટે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં સીઆરપીસીની કલમ-૭૦નું વોરંટ મેળવવા અરજી દાખલ કરી દેવાઇ છે. સરકારપક્ષ તરફથી કેસની સંવેદનશીલ હકીકતો, તપાસનો તબક્કો અને કોટડિયાનું કેસમાં નાસતા ફરતા રહેવાનું વલણ સહિતના મુદ્દાઓ ટાંકી કલમ-૭૦નું વોરંટ જારી કરી આપવા માંગણી કરવામાં આવી હતી. જેની સુનાવણી પૂર્ણ થઇ જતાં સ્પેશ્યલ કોર્ટે સીઆઇડી ક્રાઇમની આ અરજી પર તા.૧૭મી મેના રોજ ચુકાદો મુલત્વી રાખ્યો છે. સીઆઇડી ક્રાઇમ તરફથી કરાયેલી અરજીમાં જણાવ્યું હતું કે, ચકચારભર્યા બિટકોઇન કેસમાં નાસતા ફરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા રાજય બહાર હોવાની આશંકા પ્રવર્તી રહી છે અને તેને લઇ સીઆઇડી ક્રાઇમે છ જુદી જુદી તપાસ ટીમોને દોડતી કરી છે. ચકચારભર્યા બિટકોઈન કેસમાં નાસતા ફરતા અમરેલી પોલીસના ૭ કોન્સ્ટેબલ તથા કેતન પટેલના ભાઈ જતિન પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત નવ આરોપીઓની ધરપકડ આ કેસમાં હજુ બાકી છે. એક તરફ છેલ્લા કેટલાક દિવસોથી નલિન કોટડિયા નિર્દોષ હોવાના ખુલાસા આપી રહ્યા છે અને આ મામલે ગૃહમંત્રી અને સીઆઈડીને પત્ર લખીને તમાશો કરી રહ્યા છે પરંતુ રાજય સરકારે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે, બિટકોઈનના ગોરખધંધામાં જે કોઈ સંડોવાયેલું છે તેની ધરપકડ નિશ્ચિત છે. સીઆઇડી ક્રાઇમ તરફથી વારંવાર સમન્સ પાઠવવા છતાં અને તેમને તાકીદ કરવા છતાં કોટડિયા તપાસનીશ એજન્સી સમક્ષ હાજર નહી થતાં હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા આ કાનૂની સહારો લેવામાં આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે સંભવિત તમામ સ્થાનો પર કોટડિયાની તપાસ કરી પરંતુ કોટડિયા હજુ સુધી મળી આવ્યા નથી અને સમગ્ર કેસમાં નાસતા ફરે છે. આ સંજોગોમાં કોર્ટે નલિન કોટડિયા વિરૂદ્ધ સીઆરપીસીની કલમ-૭૦ હેઠળનું વોરંટ જારી કરી આપવું જોઇએ કે જેથી તપાસનીશ એજન્સી રાજયમાં કે રાજય બહાર આ સમગ્ર કૌભાંડની તપાસના ભાગરૂપે નલિન કોટડિયાની ધરપકડ માટે અન્ય પોલીસ કે એજન્સીઓની મદદથી સીઆરપીસીની કલમ- ૮૨ અને ૮૩ હેઠળની કાર્યવાહી કરી શકે. સ્પેશ્યલ એસીબી કોર્ટ દ્વારા સીઆઇડી ક્રાઇમની આ અરજીની સુનાવણી અને રજૂઆત ધ્યાનમાં લીધા બાદ અરજીનો પરનો ચુકાદો તા.૧૭મી મે પર ટાળ્યો હતો.