અમદાવાદ,તા.૧૮
ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બીટકોઇન કૌભાંડમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને અત્રેની સ્પેશ્યલ એસીબી કોર્ટે સીઆરપીસીની કલમ-૮૨ હેઠળ ભાગેડુ જાહેર કરવાની મંજૂરી માંગતી સીઆઇડી ક્રાઇમની અરજી એક અતિ મહત્વના ચુકાદા મારફતે મંજૂર કરી હતી. સ્પેશ્યલ જજ પોતાનો ચુકાદો આજે ખુલ્લી અદાલતમાં જાહેર કરી કોટડિયાને ભાગેડુ જાહેર કરવાની મંજૂરી સીઆઇડી ક્રાઇમને આપી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો આરોપી નલિન કોટડિયા ૩૦ દિવસમાં સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર નહી થાય તો તપાસનીશ એજન્સી ત્યારબાદ તેમની મિલ્કતોની જપ્તીની કાર્યવાહી કરી શકશે. ઉપરાંત આ જ કેસમાં પકડાયેલા આરોપી એડવોકેટ કેતન પટેલના ભાઇ જતીન પટેલ વિરૂધ્ધ સીઆરપીસીની કલમ-૭૦ર મુજબ, ધરપકડ વોરંટ પણ કોર્ટે જારી કર્યું હતું. બિટકોઇન કેસમાં કોર્ટના આજના ચુકાદાને પગલે બહુ મહત્વનું ડેવલપમેન્ટ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બીટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમના વારંવારના સમન્સ અને તાકીદ છતાં નલિન કોટડિયા તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર નહી થતાં અગાઉ સીઆઇડી ક્રાઇમ દ્વારા કોટડિયાની વિધિવત્‌ ધરપકડ માટે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં સીઆરપીસીની કલમ-૭૦ હેઠળ વોરંટ મેળવવા અરજી કરી હતી, જેમાં સ્પેશ્યલ એસીબી કોર્ટે આરોપી નલિન કોટડિયા વિરૂધ્ધ કલમ-૭૦ હેઠળનું તેમની ધરપકડ માટેનું વોરંટ જારી કર્યું હતું. જો આ વોરંટ બાદ પણ કોટડિયા હાથમાં નહી આવતાં સીઆઇડી ક્રાઇમ તરફથી નલિન કોટડિયાને ભાગેડ જાહેર કરવાની મંજૂરી માંગતી અરજી કરાઇ હતી. સીઆઇડી ક્રાઇમ તરફથી વારંવાર સમન્સ પાઠવવા છતાં અને તેમને તાકીદ કરવા છતાં કોટડિયા તપાસનીશ એજન્સી સમક્ષ હાજર નહી થતાં હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા આ કાનૂની સહારો લેવામાં આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે સંભવિત તમામ સ્થાનો પર કોટડિયાની તપાસ કરી પરંતુ કોટડિયા હજુ સુધી મળી આવ્યા નથી અને સમગ્ર કેસમાં નાસતા ફરે છે. આ સંજોગોમાં કોર્ટે નલિન કોટડિયા વિરૂધ્ધ સીઆરપીસીની કલમ-૮૨ હેઠળ તેમને ભાગેડુ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવે. જેથી તપાસનીશ એજન્સી રાજયમાં કે રાજય બહાર આ સમગ્ર કૌભાંડની તપાસના ભાગરૂપે નલિન કોટડિયાની ધરપકડ માટે અન્ય પોલીસ કે એજન્સીઓની મદદથી સીઆરપીસીની કલમ- ૮૨ અને ૮૩ હેઠળની કાર્યવાહી કરી શકે છે.