અમરેલી, તા.ર૯
રાજ્યભરમાં ચકચાર જગાવનાર બીટકોઈન કેસમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાગેડુ જાહેર કરાયા બાદ ધારીમાં નલિન કોટડિયાના ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવાના પોસ્ટરો લાગતા ચકચાર મચેલ છે.
સમગ્ર રાજયમાં ચકચાર જગાવનાર બીટ કોઈન કેસમાં અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ સહીત ક્રાઇમ બ્રાન્ચ અમરેલીના પીઆઇ અનંત પટેલ સહીત ૯ કોન્સ્ટેેબલો આ કાંડમાં ઝડપાઇ ગયેલ હોઈ અને ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાનું પણ બીટ કોઈન કેસમાં નામ બહાર આવેલ હોઈ ત્યારે અને આ કેસની તપાસ કરી રહેલ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને અગાઉ વારંવાર હાજર થવા નોટિસો મોકલવામાં આવેલ અને તેમ છતાં તેઓ હાજર ના થતા તેમનું હાજર થવા વોરંટ પણ કાઢ્યું હોઈ અને તેમ છતાં તેઓ હાજર ના થતા અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ દ્વારા તેમને હાજર થવા જાહેરનામું પણ બહાર પાડેલ છે અને આ જાહેરનામું પોસ્ટરો આજે ધારીના બજારોની દીવાલમાં નલિન કોટડિયાના ફોટા સહીત જોવા મળતા ચકચાર મચેલ છે જાહેરનામા પોસ્ટરોમાં જણાવ્યું છે કે તેવો અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં ૩૦ દિવસની એડિશનલ સેશન્સ જજ પી.જે. તમાકુવાલાની કોર્ટમાં હાજર થવાનું ફરમાનમાં જણાવાયું છે.