અમદાવાદ,તા. ૧૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપની પ્રતિષ્ઠા પર કુઠારાઘાત કરનાર અને ભાજપને કાળુ કલંક લગાવનાર ચકચારી નલિયા સેક્સકાંડનું ભૂત ફરી ધૂણ્યું છે. નલિયા ગેંગરેપની પીડિતાએ આજે અમદાવાદમાં આવી મીડિયા સમક્ષ કેટલાક ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. જે મુજબ, પીડિતા અને તેના પતિને જાનનો ખતરો છે અને જો તેઓને કંઇ થશે તો તેની તમામ જવાબદારી ભાજપ સરકાર અને આરોપીઓની રહેશે. પીડિતાના આ ઘટસ્ફોટના કારણે ચૂંટણીટાણે ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં ચકચાર મચી ગઇ છે. પીડિતાએ સીધો આક્ષેપ કર્યો હતો કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા અહીં આવી હતી પરંતુ ભુજ પોલીસે તેને મળવા જ ના દીધી. વળી, આ કેસમાં હજુ મુખ્ય આરોપી વિપુલ ઠક્કર નાસતો ફરે છે ત્યારે ભુજ પોલીસ તેને પકડવાને બદલે તેણીને બીજા લોકોનો ફાટો બતાવી રહી છે. ભુજ પોલીસ દ્વારા તેને ઘણી હેરાનગતિ અને મુશ્કેલી સહન કરવી પડી રહી છે.પીડિતાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો કે, આટલા સમય બાદ પણ તેણીને સરકાર તરફથી કોઇ મદદ મળી નથી. મહિલા આયોગે માત્ર રૂ.૨૦ હજારની સહાય કરી છે અને બાકીની સહાય માટે સરકાર પાસે જાતે જવા જણાવ્યું હતું. અમે સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવાનો પ્રયાસ કરીએ છીએ પણ ભુજ પોલીસ અમને ત્યાં સુધી પહોંચવા જ દેતી નથી. ભુજ એલસીબીના માણસો સતત તેમની સાથે રહે છે. પીડિતાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, મીડિયા સમક્ષ નહી આવવા માટે તેને અજાણ્યા નંબર પરથી કોઇએ ફોન કરી પાંચ લાખ રૂપિયાની ઓફર કરી હતી. તેને હવે લાગે છે કે, તેણી સિનિયર સીટીઝન થઇ જશે ત્યાં સુધી ન્યાય મળશે નહી. નલિયાકાંડની પીડિતાના આ ગંભીર આક્ષેપો અને ચોંકાવનારા ઘટસ્ફોટને લઇને ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ચકચાર મચી ગઇ છે. એકબાજુ, ભાજપ આ કલંકિત કાંડને લોકોના માનસપટ પરથી ધોવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે ચૂંટણી ટાણે જ નલિયા ગેંગરેપમાં ભોગ બનેલી પીડિતાના ચોંકાવનારા આક્ષેપોથી ભાજપની રાજનીતિ ચોક્કસ ડહોળાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.
ભાજપના નેતાઓએ જ પાર્ટીને કલંક લગાડ્યું

નલિયા સેક્સ કાંડને પગલે ભાજપના સ્થાનિક નેતાઓએ જ ભાજપને કાળુ કલંક લગાવ્યું હતું. આ સેક્સકાંડને લઇ ભાજપની પ્રતિષ્ઠાને ઘણી હાનિ પહોંચી હતી. આ સમગ્ર પ્રકરણમાં શાંતિલાલ સોલંકી(અબડાસા તાલુકા એકમના ભાજપ ઓબીસી સેલના તત્કાલીન કન્વીનર), વસંત ભાનુશાળી(ગાંધીધામ મ્યુનિસિપાલિટીના ભાજપના તત્કાલીન કાઉન્સીલર), અજીત રામવાણી(ગાંધીધામ મ્યુનિસિપાલિટીના ભાજપના તત્કાલીન કાઉન્સીલર), ગોવિંદ પરુમલાની(ભાજપના તત્કાલીન સભ્ય), ભરત ચૌહાણ, વિપુલ ઠક્કર, વિનોદ ઠક્કર, તેનો પુત્ર ચેતન ઠક્કર, અશ્વિન ઠક્કર, અતુલ ઠક્કર,બાબા ચૌહાણ સહિત અન્ય આરોપીઓના નામો ખુલ્યા હતા.
શું હતી નલિયા સેક્સ કાંડની ફરિયાદ

પરિણિતાએ જાન્યુઆરી-૨૦૧૭માં નોંધાવેલી ફરિયાદમાં ગંભીર આક્ષપો કર્યા હતા કે, તે નોકરી માટે નલિયાની સ્થાનિક એલપીજી ગેસ એજન્સીના શાંતિલાલ સોલંકીને મળવા ગઇ હતી અને તેમણે તેને એડવાન્સ સેલેરી માટે બોલાવી હતી. જયાં સોલંકીએ તેણીને કોઇ પીણું પીવડાવ્યું હતું અને બાદમાં તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જેમાં સોલંકી ઉપરાંત તેના મિત્રો ભરત ચૌહાણ અને વિપુલ ઠક્કરના નામો પણ તેણીએ આપ્યા હતા. આ સહિતના અન્ય આરોપીઓએ ભેગામળી તેને જુદા જુદા સ્થાનોએ ફેરવી તેની પર ગેંગરેપ ગુજાર્યો હતો અને તેણીની કલીપિંગ્સ્‌ પણ ઉતારી બ્લેકમેઇલ કરી હતી.