રાજકોટ,તા.૧૬
તાજેતરમાં મેચ દરમિયાન ગ્રાહક ત્રણ કરોડ જીતી જતા કરોડો રૂપિયા હારનાર નામાંકિત બુકીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. બુકીને ગ્રાહક વારંવાર ધમકીઓ આપતો હોય અંતિમ પગલુ ભરી લીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બુકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.
જામનગર રોડ પર આવેલા કોપર સિટીમાં રહેતા કમલભાઇ ઉર્ફે કાળુભાઇ જૈસવાલ નામનો બુકી મેચમાં કરોડો રૂપિયા હારી ગયો હતો. એક ગ્રાહક ત્રણ કરોડ રૂપિયા જીતી જતા તેના દ્વારા રૂપિયા આપવા બાબતે વારંવાર ધમકીઓ મળતી હતી. આથી તેણે આ અંતિમ પગલુ ભરી લીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં કમલને સંતાનમાં બે પુત્ર હોવાનું અને બે વર્ષ પહેલા તેની પત્નીનું બિમારી સબબ મોત થયું હોય એકલવાયું જીવન જીવતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની વધુ તપાસમાં એમસીએક્સ અને ક્રિકેટનો જુગાર રમાડતો નામચીન બુકી કમલ તાજેતરમાં ક્રિકેટ અને એમસીએક્સના જુગારમાં ત્રણેક કરોડ રૂપિયા હારી ગયો હોય જેની પઠાણી ઉઘરાણી થતી હોય તેનાથી કંટાળી આ પગલું ભર્યું હોવાની શંકાએ પોલીસે મોબાઈલ કબ્જે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.