(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૪
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સત્કારતા વડાપ્રધાન મોદીએ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગાંધીની ભૂમિ પર બન્ને દેશોના સંબંધોનો નવો અધ્યાય શરૂ થશે. આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પોતાના પરિવાર સાથે અહીં આવવું એ ભારત-અમેરિકાના સંબંધોને એક પરિવાર જેવી મીઠાશ અને ઘનિષ્ઠતાની ઓળખ આપી રહ્યા છે. આઝાદીમાં યોગદાન ધરાવતી સાબરમતી નદીના કિનારે આજે તમારું સ્વાગત છે એમ વડાપ્રધાને ટ્રમ્પ પરિવારને આવકારતા કહ્યું હતું. મોટેરા સ્ટેડિયમ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નમસ્તે ટ્રમ્પ’ કહી શરૂઆત કરી હતી.
તેમણે કહ્યું કે, ’નમસ્તેનો અર્થ ખૂબ ઉંડો છે. આપણે વ્યક્તિને જ નહીં પરંતુ તેની અંદર વ્યાપેલી દિવ્યતાને વંદન કરીએ છીએ. આ સમારોહ માટે હું ગુજરાતના રહેવાસીઓ અને ગુજરાતમાં રહેતા અન્ય દેશવાસીઓનું અભિવાદ કરૂં છું.
તેમણે કહ્યું કે આજે મોટેરા સ્ટેડિયમમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. આજે આપણે ઇતિહાસનું પુનરાવર્તન પણ જોઈ રહ્યા છે. પાંચ મહિના પહેલાં મેં અમેરિકા યાત્રાની શરૂઆત હાઉડી મોદી કાર્યક્રમથી કરી હતી. આજે મારા મિત્ર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત યાત્રાની શરૂઆત ’નમસ્તે ટ્રમ્પ’થી કરી રહ્યા છે. આટલી લાંબી મુસાફરી પછી પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમનો પરિવાર સીધા સાબરમતી આશ્રમ ગયા હતા. જે તેમની ગાંધી અને ભારત પ્રત્યેનો સંબંધ દર્શાવે છે. પીએમ મોદીએ કહ્યું કે ’આ મુલાકાતથી ભારત અમેરિકાનાં સંબંધોનો નવો અધ્યાય લખાશે. પ્રથમ લેડી મેલેનિયા તમે બાળકોના ઉત્થાન માટે જે કામ કરી રહ્યા છો તેનાથી સમાજમાં ઘણું પરિવર્તન કરી રહ્યા છો. ઇવાન્કા તમે ભારત આવ્યા ત્યારે કહ્યું હતું કે ’હું ફરીથી ભારત આવવા માંગું છું. ત્યારે આજે તમે ફરીથી પરત આવ્યા છો તો તમારૂં સ્વાગત છે. પીએમએ વધુમાં જણાવ્યું કે, આ ગાંધીની ધરતી છે પરંતુ અહીંયા આખા હિંદુસ્તાનનો ઉત્સાહ છે. આ બધાની વચ્ચે પ્રેસિડેન્ટ ટ્રમ્પ, પ્રથમ લેડી મેલેનિયા, પુત્રી ઇવાન્કા અને તેમના જમાઇ જેરેડની ઉપસ્થિતિ ભારત અમેરિકાના સંબંધોને પરિવાર જેવી મીઠાસ અને ઘનિષ્ઠતાની ઓળખાણ આપે છે.પ્રેસિડેન્ટ ટ્રમ્પ તમે આ ભૂમિ પર છો જ્યાં ૫,૦૦૦ વર્ષ જૂનું પ્લાન્ડ સિટી ધોળાવીરા અને લોથલ સી પોર્ટ ઘડાયું હતું. તમે વિવિધતાસભર એ ભારતમાં છો જ્યાં સેકડો ભાષા બોલવામાં આવે છે, પરિધાન છે. ખાનપાન છે અને પંથ અને સમુદાય છે. અમારી વિવિધતા અને તેમાં એકતા અને એકતાની ગતિશીલતા ભારત-અમેરિકાની વચ્ચે મજબૂત સંબંધોનો બહુ મોટો આધાર છે. એકને સ્ટેચ્યુ ઓફ લીબર્ટી પર ગર્વ છે તો બીજાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગૌરવ છે. ટ્રમ્પના ભાષણ પછી વડાપ્રધાન મોદીએ ટ્રમ્પનો આભાર પણ માન્યો હતો. અને કહ્યું હતું કે, ભારત-અમેરિકાની મિત્રતા વિશ્વાસના કારણે વધી છે. આ ઉપરાંત અહીં વડાપ્રધાન મોદીએ સરકારની સિદ્ધીઓ પણ ગણાવી હતી. ભારતની મુલાકાત વખતે ટ્રમ્પે પોતાની મનગમતી લાલ રંગની ટાઇને બદલે આજે પીળા રંગની ટાઇ ધારણ કરી હતી.જ્યારેતેમના પત્ની મેલાનિયાએ સફેદ રંગનો જમ્પ સૂટ અને તેના ઉપર કાપડનો દુપટ્ટો બાંધ્યો હતો. એરપોર્ટ પર વિમાનની સીડીઓ પાસે જ મોદીએ ટ્રમ્પને પરંપરાગત ભેટીને આવકાર્યા હતા અને શ્રીમતી ટ્રમ્પ સાથે હસ્તધૂનન કરીને સ્વાગત કર્યું હતું.

ટ્રમ્પે મોદી ચાઈવાલા કહેતાં જ સ્ટેડિયમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું

અમદાવાદ, તા.ર૪
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નર સાથે સવા બાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા. જ્યાં પીએમ મોદીએ ટ્રમ્પને ગળે લગાવીને શાહી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને મહાનુભાવો ગાંધી આશ્રમ જવા નીકળ્યા હતા. જ્યાંથી તેઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે મોટેરા સ્ટેડિયમ જવા નીકળ્યા હતા. જ્યાં મોદીના સંબોધનથી ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ શરૂ થયો હતો. ત્યારબાદ ટ્રમ્પે સંબોધન શરૂ કરી કહ્યું કે, મોદીના પિતા ચાનો સ્ટોલ ચલાવતા હતા અને મોદી આ શહેરમાં ચા વેચતા હતા. ચાઈવાલા મોદી બોલતા જ સ્ટેડિયમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

હોલિવૂડ સ્ટાર એન્જેલિના જોલી આપણી શેરીઓ વાળવા આવશે

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ટ્રમ્પ અને મોદીના આગમન પહેલાં જાણીતા લોક ડાયરાના કલાકાર સાંઈરામ દવેએ વાણીવિલાસ કરતા સ્ટેડિયમમાં હાજર લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. સાંઈરામ દવેએ જાહેર કાર્યક્રમમાં સ્ટેડિયમના સ્ટેજ પરથી કહ્યું હતું કે, અમેરિકા અને લંડનના લોકો હીરા ઘસવા અને એમ્બ્રોડરી માટે ગુજરાત આવશે. હોલિવૂડ સ્ટાર એન્જેલીના જોલી આપણી શેરીઓ વાળવા આવશે. આવા વિવાદિત નિવેદન પગલે લોકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા કે, સાંઈરામ દવેએ બફાટ કરતા લોકોમાં ચર્ચાઓ વહેતી થઈ હતી.

બુલેટપ્રૂફ કાચથી કવર કરાયેલા સ્ટેજથી ટ્રમ્પ-મોદીએ પ્રવચન કર્યું

મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા નમસ્તે કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીએ ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં જનમેદનીને સંબોધી હતી. જો કે ટ્રમ્પની સુરક્ષાને પગલે સ્ટેજને બુલેટપ્રૂફ કાચથી કવર કરવામાં આવ્યું હતું. એટલે બુલેટપ્રૂફ કાચવાળા સ્ટેજથી ટ્રમ્પ અને મોદીએ નમસ્તે કાર્યક્રમમાં પ્રવચન આપ્યું હતું.

મોટેરામાં મોદી અને ટ્રમ્પ ચાર વખત ભેટ્યા

અમદાવાદ ઉતરતાં જ મોદી-ટ્રમ્પ પહેલા ભેટ્યા હતા અને પછી હાથ મિલાવ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પ સાબરમતી આશ્રમ પહોંચ્યા. અહીં પણ મોદી ટ્રમ્પ પહેલા જ પહોંચી ગયા હતા. ૧૧ મિનિટ સુધી ટ્રમ્પ-મેલાનિયા અહીં હાજર રહ્યા પણ આ દરમિયાન કોઇએ હાથ મિલાવ્યો ન હતો. ત્યારબાદ મોદી-ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં આયોજિત ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં મોદી-ટ્રમ્પ ૪ વખત ભેટ્યા હતા અને ૫ વખત હાથ મિલાવ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા જ્યાંથી તેઓ આગ્રા જવા રવાના થયા હતા. મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્ક્રમમાં ટ્રમ્પે ૨૭ મિનિટ અને મોદીએ બે સ્પીચ માટે કુલ ૨૧ મિનિટનો સમય લીધો હતો. મોદીએ ભાષણમાં ૪૧ વખત ઇન્ડિયા અને ૨૯ વખત અમેરિકાનું નામ લીધું. તેમણે ૨૨ વખત ટ્રમ્પનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ભાષણમાં ૫૦ વખત ઇન્ડિયા અને ૨૩ વખત અમેરિકાનું નામ લીધું. તેમણે ૧૩ વખત વડાપ્રધાન મોદીનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે ભાષણમાં ૪ વખત પાકિસ્તાનનું પણ નામ લીધું હતું.