(એજન્સી)
ઈન્ડોનેશિયા, તા.૭
લોમ્બોક અને બાલિમા આવેલા ભૂકંપ દરમ્યાન ઈન્ડોનેશિયાની મસ્જિદમાં ઈશા (રાત્રી)ની નમાઝ રોક્યા વગર સંપૂર્ણ નમાઝ પઢાવી રહેલ ઈમામનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો અનુસાર જે સમયે ભૂકંપ આવ્યો ત્યારે બાલિમા એક ઈમામ ઈશાંની નમાઝ પઢાવી રહ્યાં હતા. ભૂકંપ આવ્યા બાદ પણ તેઓ અટક્યા નહીં અને નમાઝ સંપૂર્ણ કરાવી. બાલિના ડેનપસર મસ્જિદમાં ઈમામ નમાઝ પઢાવી રહ્યા હતા તે સમયે ૬.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો પરંતુ ઈમામ નમાઝને અધવચ્ચે ન અટકાવતા નમાઝને સંપૂર્ણ કરી હતી. ઈમામનો આ ફૂટેજ મોબાઈલ પર રેકોર્ડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂકંપ આવતા ઈમામ દિવાલના ટેકાથી ઊભા છે અને ડગમગી રહ્યાં છે.
ઈન્ડોનેશિયાના મૌલવી યુસુફ મન્સૂરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે મને રડવું આવી રહ્યું છે તેઓ જરા પણ ડગમગ્યા નહીં, ભૂકંપ જેવી વિપરિત પરિસ્થિતિઓમાં નમાઝ છોડવાની પરવાનગી હોવા છતાં ઈમામે નમાઝ અટકાવ્યા વગર સંપૂર્ણ કરી.