(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૫
સ્થાનિક અદાલતમાં પ્રેક્ટીસ કરતાં બુદ્ધિજીવીઓમાં જેની ગણના થાય છે તેવા કેટલાક વકીલો કોમી એકતાને નેવે મુકી અદાલત પરિસરમાં કોમી અશાંતિ ઉભી કરવાનો પ્રયાસ કરે ત્યારે શહેરની સંસ્કારીતાને દાગ લાગ્યા વગર રહેતો નથી. હાલમાં ચાલી રહેલાં પવિત્ર રમજાન માસને લીધે મુસ્લિમ વકીલોને નમાજ પઢવા માટે અદાલત સંકુલમાં ફળવી આપવામાં આવેલી એક રૂમને કારણે કેટલાક કટ્ટરવાદી વિચારધારા ધરાવતા વકીલોએ વજુદ વગર વિવાદ ઉભો કરી અશાંતિ ફેલાવવાનો હિન પ્રયાસ કર્યો ત્યારે કટ્ટરવાદથી સીમા વટાવી વિવાદ અદાલત પરિસરથી દિવાલો વચ્ચેથી એક અખબારનાં પાના સુધી પહોંચી ત્યારે ઋજુ હૃદય અને કોમી એકતાનાં હિમાયતી વકીલોએ હૃદયમાં તીર ભોંકાયાનો અહેસાસ અનુભવ્યો હતો.
ન્યાયમંદિરથી દિવાળીપુરા ખાતે નવા સંકુલમાં હવે અદાલત બેસે છે. સૌ પ્રથમ વિવાદ વકીલોને બેસવાની જગ્યા માટે ઉભો થયા હતો. તેનું હજી સુધી ઠેકાણું પડ્યું નથી. વકીલોએ ખૂબ જોર લગાવ્યું પરંતુ તંત્રએ મચક આપી નથી.
ત્યાર પછી નવા અદાલત સંકુલમાં મુઠ્ઠીભર કેટલાક વકીલોએ બીજો એક વિવાદ મુસ્લિમ વકીલોને નમાજ પઢવાનાં મુદ્દે ઉભો કર્યો છે. તા.૧૭મી મેથી પવિત્ર રમઝાન માસની શરૂઆત થઇ હતી. આજે નવમો (તા.૨૫ માર્ચ) રોજો ચાલી રહ્યો છે. અદાલતમાં પ્રેકટીસ કરતાં મુસ્લિમ વકીલોએ વકીલ મંડળનાં મંત્રી કેદાર બિનીવાલે સમક્ષ રજૂઆત કરી હતી કે, રમઝાન માસ પુરતી નમાજ પઢવા માટે જગ્યા ફાળવી આપવામાં આવે આથી ગ્રાઉન્ડ ફલોર ખાતે લાઇબ્રેરી માટેનાં બે રૂમ છે જેની ચાવી વકીલ મંડળ હસ્તક હોવાથી ફાળવી આપવામાં આવ્યા હતા. કારણ કે નવા સંકુલ આસપાસ નજીકમાં મસ્જિદ નથી. મસ્જિદ છેક અકોટા ગામ અને તાંદલજામાં છે. જે ઘણી દૂર છે આથી લાયબ્રેરીની બે રૂમો ખાલી હોવાથી એક રૂમ પુરુષ વકીલો અને બીજા રૂમ મહિલા વકીલોને નમાજ પઢવા માટે ફાળવી આપી હતી. રમઝાનથી શરૂઆતથી ત્યાં નમાજ પઢવામાં આવે છે.
ગઇકાલે આઠમાં રોજા સુધી કોઇ વિરોધ થયો ન હતો. પરંતુ કેટલાક વકીલોનાં શેતાની દિમાગમાં મુસ્લિમ વકીલો અદાલત સંકુલમાં નમાજ કેમ કરે તેવો કોમવાદી વિચાર ઝબક્યો એ સાથે વિરોધ નોંધાવતા નિવેદન એક અખબાર સમક્ષ કર્યા હતા. જૂના ન્યાય મંદિર સંકુલ આપસપાસ ત્રણ મસ્જિદો સાવ નજીક આવેલી હોવાથી મુસ્લિમ વકીલો મસ્જિદમાં નમાજ પઢવા જતા હતા. એટલે ન્યાયમંદિર સંકુલમાં નમાજ પઢવાનો કોઇ સવાલ ન હતો. ન્યાયમંદિર સંકુલમાં સત્યનારાયાણ પૂજા થતી ત્યારે મુસ્લિમ વકીલો સહકાર આપતા હતા. પૂજા વિધિમાં ભાગ લેતા પ્રસાદ લેતા એવી રીતે કોમી એખાલસતા જાળવવા તમામ પ્રયાસ કરતાં હતા. ક્યારેય વિરોધ કર્યો નથી.જ્યારે નવા સંકુલની નજીકમાં કોઇ મસ્જિદ ન હોવાથી રમઝાન માસ પુરતી નમાજ પઢવા માટે ફાળળી આપવામાં આવેલી લાયબ્રેરીની બે રૂમોનો ઉપયોગ કરે છે. નમાજ મૌન પઢવાની હોય છે. તેમાં કોઇ ઘોંઘાટ થતો નથી. અવાજ કાઢવામાં આવતો નથી. આમ છતાં કેટલાક મુઠ્ઠીભર વકીલોએ અદાલત સંકુલમાં કોમવાદનું સ્વરૂપ આપવાનો હિન પ્રયાસ કર્યો છે. છેલ્લાં ૪૫ વર્ષથી પ્રેક્ટીસ કરતાં એમ.ટી. રીફાઇ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાલમાં ઉનાળો છે. ધોમધખતા તાપ છે. રોઝા રાખવામાં આવે છે એવે સમયે મુસ્લિમ વકીલોને લાયબ્રેરીની બે રૂમો નમાજ પઢવા વકીલ મંડળે ફાળવી આપી હતી. જ્યાં બીલકુલ શાંતિપૂર્વક નમાજ પઢવામાં આવે છે. ઘોંઘાટ સહેજ પણ થતો નથી. વર્ષોથી હિન્દુ-મુસ્લિમ વકીલો એક બીજાનાં પડખે ઉભા રહી કામ કરે છે. કોમી તોફાનો વખતે શહેરમાં શાંતિ ફેલાવવા બન્ને કોમનાં વકીલો પ્રયત્નશીલ રહ્યાં છે. સાવ નાની વાતને મોટું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જ્યાં ઝોહરની એક જ નમાજ પઢવામાં આવે છે એ પણ રમઝાન માસ પુરતી વ્યવસ્થા છે.
જાણીતા એડવોકેટ ખાલીદ એફ. પઠાણે વકીલો સમક્ષ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, વિચારધારાને કોઇ ધર્મ નથી હોતો અત્યારે કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે. રમઝાન માસ હોવાથી મુસ્લિમ વકીલો રોઝા રાખે છે. અદાલત સંકુલમાં બે ખાલી રૂમો વકીલ મંડળે રજૂઆતને પગલે ફાળવી માનવતા જ નહીં જ નહીં પરંતુ ધર્મ નિર્પેક્ષતાનું સર્વોત્તળ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. નમાજ પઢતી વખતે ઘોંઘાટ કે અવાજ થાય તે સરાસર ખોટી વાત છે. અન્યોને ઉશ્કેરાવાનો હિન પ્રયાસ છે. અદાલત જેવા પવિત્ર ધામમાં અશાંતિ ઉભી કરવાનો પ્રયત્ન છે. નમાજ પઢવાથી તો દુષ્ટ વિચારોનો નાશ થાય છે. વાતાવરણ પવિત્ર થાય છે. પરંતુ કેટલાક તત્વોને આ પંસદ નથી એટલે વિવાદ ઉભો કર્યો છે.