ભૂજ,તા.ર૧
માંડવીના કાઠડા ગામે ઈશાની નમાઝની અઝાન વેળા ગામના કેટલાક કટ્ટરવાદી શખ્સોએ લાઉડસ્પીકર બાબતે માથાકૂટ કરી નમાઝીઓ ઉપર હુમલો કરતા આ અંગે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કલેકટર તથા એસ.પી. પશ્ચિમ-કચ્છ પોલીસ વિભાગને આવેદન પાઠવી આવા તત્વોની ધરપકડ કરવાની માગ કરી છે.
બનાવની વિગત અનુસાર માંડવીના કાઠડા ગામે તા.ર૦-૮-૧૮ની રાત્રે ઈશાની નમાઝની અઝાન (ઈસ્લામ ધર્મના) નિયમ મુજબ પોકારતા ગામના ગઢવી સમાજના કેટલાક કટ્ટરવાદી તત્વોએ મસ્જિદમાં ધસી જઈ નમાઝીઓ ઉપર હુમલો કરતા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી અને હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. હુમલાના પગલે ગામમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. જો કે મુસ્લિમ સમાજના લોકોએ ભારે સંઘમ દાખવ્યો હતો. આવા તત્વો અવારનવાર મસ્જિદના લાઉડસ્પીકર બાબતે માથાકૂટ કરી ગામનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગેની જાણ થતા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કલેકટરને આવેદન પાઠવી લાઉડસ્પીકર બાબતે માથાકૂટ કરી ગામનો વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનાર તત્વોની ધરપકડ કરી સબક શીખડાવવાની માગ કરી છે તથા હવેથી ગામમાં પાંચ વખતની નમાઝ માટે અઝાન લાઉડસ્પીકર ઉપર પોકારવાનું જણાવ્યું છે. જે અઝાન સમગ્ર ભારતમાં લાઉડસ્પીકર દ્વારા પોકારવામાં આવે છે. આવતીકાલે મુસ્લિમોમાં ઈદ-ઉલ-અઝહાનો પર્વ હોય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પૂરતી સુરક્ષા પુરી પાડવા પણ માંગ કરી છે. આ અંગે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કલેકટર તેમજ એસપી પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગને રૂબરૂમાં આવેદનપત્ર આપી અને તાકીદ કરેલ કે હવેથી પાંચ ટાઈમ લાઉડસ્પીકર ઉપર અઝાન પોકારવામાં આવશે તેની લેખિતમાં જાણ કરેલ છે. આવેદનપત્ર આપતી વખતે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના જિલ્લા પ્રમુખ ઈબ્રાહીમ જે હાલેપોત્રા, મુસ્લિમ અગ્રણી આધમભાઈ ચાકી, યુવા સમિતિ પ્રમુખ રમજાન અલી સુમરા, મહામંત્રી અબ્દુલ રાયમા, અબડાસા તાલુકા પ્રમુખ સાલેમામદ પઢિયાર, સૈયદ ઈમામશા નાગીયારી સરપંચ જુસબ બાફણ, હનીફ પઢિયાર સિધિક, હાજી મામદ, સલીમ સઠિયા, ઈસ્માઈલ મામા, અમીરશા સૈયદ, ગુલમામદ નોડે, કાઠડા મુસ્લિમ જમાત પટેલ તથા બહોળી સંખ્યામાં મુસ્લિમ આગે.વાનો હાજર રહ્યા હતા.