(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
રાજ્યસભાના સાંસદ અમરસિંઘે વિવાદ સર્જતા કહ્યું કે, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સમાજવાદી નથી પરંતુ તે નમાઝવાદી છે. અમરસિંઘે સપા નેતા આઝમખાનને રાક્ષસ સાથે સરખાવ્યા હતા.
અમરસિંઘે પોતાના ફેસબુક પેજ પર વીડિયો પ્રસારિત કર્યો હતો જેમાં તેમણે અખિલેશ યાદવ પર પ્રહાર કરતાં કહ્યું કે, “સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે તેઓ વિષ્ણુનું મંદિર બનાવશે. અખિલેશ યાદવ તમારી પાસે વિષ્ણુનું મંદિર બનાવવાના કોઈ અધિકાર નથી તમે સમાજવાદી પાર્ટીના સભ્ય નથી. તમો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ નહીં, નમાઝવાદી પાર્ટીના અધ્યક્ષ છો.”
અમરસિંઘે મોહંમદ આઝમખાનને અખિલેશના રાજકીય પુત્ર ગણાવ્યા હતા. તેમણે યાદવ અને ખાનની ઝાટકણી કાઢતા દાવો કર્યો હતો કે, જ્યારે મુલાયમ જેલમાં હતા ત્યારે તેમના પત્ની સાધનાની વિનંતી બાદ તેમણે યાદવ પરિવારની મહિલાઓના દુઃખને હળવું કરવાનો પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમણે ક્યારેય પ્રતિસાદ ન આપ્યો.
અમરસિંઘે આઝમખાનને મહમૂદ ગઝનવી, અલાઉદ્દીન ખિલજી, તૈમુર લંગના વંશજ ગણાવતા કહ્યું કે, “તે રાક્ષસ છે જેને અખિલેશ અને તેમના પિતા મુલાયમસિંઘ યાદવ ઉછેરી રહ્યા છે.”