(એજન્સી) નવી દિલ્હી, તા.૩
ચૂંંટણી પંચે આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ નમો ટીવીના લોન્ચ અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલય (આઇ એન્ડ બી)ને લખીને તેની પાસે જવાબ માગ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. નમો ટીવી લોન્ચ થવાના સંદર્ભમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવ્યાના બે દિવસ બાદ ચૂંટણી પંચે આઇ એન્ડ બી પાસે રિપોર્ટ માગ્યો છે. અન્ય એક પત્રમાં ચૂંટણી પંચે ૩૧મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સંબોધન ‘મેં ભી ચોકીદાર’ના એક કલાક લાંબા પ્રવચનના દૂરદર્શન પર લાઇવ પ્રસારણ કરવા બદલ દૂરદર્શન પાસે પણ પંચે જવાબ માગ્યો છે. સોમવારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને એક પત્ર પાઠવ્યો હતો. પત્રમાં આપે ચૂંટણી પંચને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આદર્શ ચૂંટણી આચાર સંહિતા અમલી બન્યા બાદ ૨૪ કલાકની નમો ટીવી ચેનલ તાજેતરમાં લોન્ચ કરવાની મંજૂરી આપવામાં આવી હતી કે કેમ ? આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને એવું પણ પૂછ્યું હતું કે આદર્શ આચાર સંહિતા (એમસીસી) અમલી બન્યા બાદ પણ શું પાર્ટીને પોતાની ટીવી ચેનલ શરૂ કરવાની મંજૂરી આપી શકાય ? જો ટીવી ચેલન શરૂ કરવાની કોઇ મંજૂરી જ માગવામાં આવી ન હોય તો ચૂંટણી પંચ દ્વારા તેની સામે શું પગલાં ભરવામાં આવ્યા ? મુખ્ય ચૂંટણી કમિશનરને પાઠવેલા પત્રમાં આપના લીગલ સેલના સભ્ય મોહમ્મદ ઇર્શાદે જણાવ્યું હતું. આપે એવો આરોપ મુક્યો છે કે ભાજપે નમો ટીવી ચેલન શરૂ કરીને બધા રાજકીય પક્ષોને સમાન તક આપવાના મૂળભૂત સિદ્ધાંતનો અનાદર કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ ૧૦મી માર્ચે આદર્શ આચાર સંહિતા અમલી બની હતી.