(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૮
રાજ્યમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થતાં તેઓને સહાય માટે સરકારે પેકેજની જાહેરાત કરી હતી, જે અનુસંધાને ઓનલાઈન અરજી કરનાર ખેડૂતોને આવતા અઠવાડિયામાં નાણાં ચૂકવવાનો સરકાર દ્વારા આજે નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત જે ખેડૂતોએ હજુ સુધી સહાય અર્થે અરજી કરી નથી. તેમણે તા.૩૦ ડિસેમ્બર સુધીમાં પોતાની અરજી મોકલી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
આજે ગાંધીનગરમાં સરકારની કેબિનેટ બેઠક થઇ હતી. જેમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિમંત્રીએ મીડિયાને આ મુદ્દે જણાવ્યું કે, અતિવૃષ્ટીને કારણે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે અને આ અંગેની જે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી દીધી છે તેમને આવતા અઠવાડિયામાં ચુકવણી થઇ જશે. જે ખેડૂતોએ હજી અરજી નથી કરી તેમણે ૩૦ ડિસેમ્બર સુધીમાં પાક નુકસાનીની અરજી કરવાની અપીલ કરી છે. તે પછી પણ જો ખેડૂતોની માંગ હશે તો ચર્ચા કરીને ઓનલાઇન અરજી કરવાની તારીખને આગળ પણ લંબાવવામાં આવશે.
કૃષિમંત્રી આર. સી ફળદુએ કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે વધુમાં જણાવ્યું હતું કે, આખી મોસમમાં ઘણો જ વરસાદ થયો અને તે બાદ કમોસમી વરસાદને કારણે રાજ્યનાં ખેડૂતોનાં ઉભા પાકમાં નુકસાન થયું હતું, જેના પગલે ખેડૂતોને મદદરૂપ બનવા માટે પેકેજ જાહેર કર્યું જેમાં ૩૭૭૫ કરોડ રૂપિયાની સહાય કરવાનો નિર્ણય થયો તે પછી ખેડૂતોને ઓનલાઇન એપ્લિકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. દરેક ગ્રામ પંચાયતમાં ખેડૂતો પોતાની વિગતો આપીને પોતાની અરજી આપતા થયા અને હમણા સુધીમાં રાજ્યનાં ૧૭ લાખ ખેડૂતોએ અરજી કરી દીધી છે. આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવતા અઠવાડિયામાં આ ૧૭ લાખ ખેડૂતોને પેકેજ પ્રમાણે નાણા ચૂકવી દેવામાં આવશે. ૨૫મી ડિસેમ્બરે અટલ બિહારી વાજપાઈના જન્મદિને કૃષિ વિભાગ પોતાનું કામ પતાવી દેશે અને ખેડૂતોને સહાય તેમના ખાતામાં મળવાનું શરૂ થઇ જશે.
આ સાથે તેમણે કહ્યું કે, ‘જે પણ ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું છે તેમને તમામને નાફેડ દ્વારા બે દિવસમાં રૂપિયા આપી દેવામાં આવશે.‘ તેમણે તીડ મામલે પણ જણાવ્યું કે, સુઇ અને વાવ તાલુકાનાં ૧૪થી ૧૫ ગામોમાં તીડ આવી જતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે, ત્યારે કૃષિ વિભાગે હવે તે અંગે સર્વે હાથ ધરશે અને ખેડૂતોને નુકસાન થયું છે તેમને સરકાર મદદરૂપ બનશે.