(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૭
સમગ્ર રાજયમાં ચકચાર જગાવનાર લોકરક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીક પ્રકરણમાં ભાજપના નેતાઓની સંડોવણીને લઈ રાજયનું રાજકારણ બરોબરનું ગરમાયું છે. ત્યારે રાજય સરકારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિચિત્ર જવાબ આપતા પ્રથમ તો ભાજપના કોઈ મોટા નેતાની સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો હતો. તે પછી એમ પણ જણાવ્યું હતું કે કૌભાંડમાં નાના કાર્યકરો સંડોવાયા છે તેમને સસ્પેન્ડ પણ કરી દેવાયા છે. આમા કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની સંડોવણી સામે આવતા ભાજપ પર ભીંસ વધી રહી છે ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પેપરકાંડમાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહી કરવાની વાત ઉચ્ચારી છે. પોરબંદરમાં શૈક્ષણિક સેમિનારમાં ઉપસ્થિત રહેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે પેપરકાંડમાં ભાજપના કોઈ મોટા નેતા સંડોવાયેલા નથી. જે પણ ભરતી કૌભાંડમાં સામેલ છે તે નાના કાર્યકરો છે અને તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સાથે જ ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે પેપરકાંડમાં જે પણ ચમરબંધીનું નામ આવશે તેને છોડવામાં નહી આવે.